ગોતા વંદેમાતરમ ચાર રસ્તા પાસે 'આજે દૂધ વેચવાનું નથી' તેમ કહી ટોળાંનો વેપારી પર હુમલો
અમદાવાદ,તા.22 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
ગોતા વંદેમાતરમ ચાર રસ્તા પાસે શુકન રેસીડન્સીમાં આવેલા ગણેશ પાર્લરના માલિકને ટોળાંએ આજે દૂધ વેચવાનું નથી તેમ કહી મારમારી ટી શર્ટ ફાડી નાંખી હતી. આરોપીએ દૂધના કેરેટ ઉંઘા પાડી દીધા તેમજ ફ્રીજને લાકડીઓ મારી નુકશાન કર્યું હતું. આરોપીઓેએ વેપારીને દૂકાન બંધ કરી દેવા નહી તો જાનથી મારવાની ધમકી આપી હતી. બુધવારે સવારે બનેલી ઘટના અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ટોળાંએ દૂધના કેરેટ ઉંઘા પાડી દૂકાન બંધ કરવાનું કહી જાનથી મારવાની ધમકી આપી
ગોતામાં શુકન રેસીડન્સીમાં રહેતાં અને ગણેશ પાન પાર્લરના નામે દૂકાન ધરાવતા અરવિંદભાઈ સોમાભાઈ પટેલ (ઉં,૫૮)એ દસથી પંદર જેટલા લોકોના ટોળાં વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ આજે સવારે નવ વાગ્યે ફરિયાદી તેઓની દૂકાન પર હાજર હતા. તે સમયે ટોળું લાકડીઓથી સજ્જ થઈને આવ્યું હતું. આજે તમારે આજે દૂધ વેચવાનું નથી તેમ કહેતા ફરિયાદી થોડીવારમાં દૂકાન બંધ કરી દઉ છું તેમ જણાવ્યું હતું. દરમિયાન ટોળાંમાં સામેલ શખ્સોએ ફરિયાદીની દૂકાનના ફ્રીજમાંથી પાણીની બોટલ અને ઠંડા પીણા કાઢીન ેપીવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ પૈસા માંગતા આરોપીઓએ અપશબ્દો બોલી હુમલો કર્યો તેમજ ટી શર્ટ ફાડી નાંખી હતી. ફરિયાદીની દૂકાન આગળ પડેલા દૂધના કેરેટ અને ફ્રીજને લાકડીઓ મારી આરોપીઓએ નુકશાન કર્યું હતું. આરોપીઓએ બાદમાં દૂકાન બંધ કરી દેજો ખુલ્લી હશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદી અરવિંદભાઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. સોલા પોલીસે અરવિંદભાઈની ફરિયાદને પગલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.