મોબાઈલના વેપારી પર દરોડા પાડી 40 લાખ GST ભરાવ્યો અને અધિકારીઓ 27 લાખ રોકડા લઈ ગયા
Goods and Services Tax: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અધિકારીઓએ મોબાઈલના વેપારી પાસેથી 40 લાખ રૂપિયાનો જીએસટી ભરાવવા ઉપરાંત રોકડામાં 27 લાખ રૂપિયા લઈ ગયા હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરની કચેરીને અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની કચેરીને આપવામાં આવી છે. સંજય પટેલ નામના જીએસટી અધિકારીએ દરોડો પાડયો હતો. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે આવેલા બહુમાળી મકાનમાં આવેલી જીએસટી કચેરીના અધિકારીઓએ દરોડા પાડયા હતા.
ગૃહ મંત્રી, શાહીબાગ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી
બાલાજી મોબાઈલે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, દરોડાની કાર્યવાહી વહેલી સમેટી લેવા માટે રોજના 2 લાખ રૂપિયા લઈને એક વ્યક્તિ કામ કરી આપશે તેમ જણાવવામાં આવ્યું હતું. વેપારીએ પૈસા આપવાની તૈયારી બતાવતા દરોડાની કાર્યવાહી થોડા સમય માટે અટકાવીને થોડા સમયમાં ફરી ચાલુ કરી દેવામાં આવી હતી. દરોડો અટકાવતી વેળાએ મોટી રકમ ભરવાની આવશે તેમ જણાવીને વેપારીને ડરાવી દેવામાં આવ્યો હતો. તેથી વેપારી ઓછી રકમમાં સેટલમેન્ટ કરવા તૈયાર થતાં તેની પાસેથી 27 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા. દરોડાનો કેસ ન બનાવવા માટે આ રકમ લેવામાં આવી હતી. જીએસટી પેટે 40 લાખ રૂપિયા ભરાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત
મોટી રકમ લઈ ગયા પછીય કામ સરખું ન થતાં વેપારીએ એન્ટિ કરપ્શન બ્યુરો, અમદાવાદના પોલીસ કમિશનર અને લાલદરવાજાની જીએસટી કચેરીમાં બેસતા કમિશનરને આ ફરિયાદની એક નકલ મોકલી આપી હતી. હવે એક પણ કચેરી કે સત્તાવાળાઓ તરફથી પગલાં લેવામાં ન આવતા હોવાથી વેપારી સતત સંપર્ક કરી રહ્યો છે. પરંતુ તેને કોઈ જ જવાબ મળતો નથી. જીએસટી એક્ટની કલમ 67(1) હેઠળ માત્ર તપાસ કરવાને નામે આવીને દરોડા પાડીને અધિકારીઓ નીકળી જતાં હોવાના અને વેપારીઓને નાણાંકીય રીતે ખંખેરી જતાં હોવાની ફરિયાદો પણ વધવા માંડી છે.