Get The App

આયુષ્યમાન કાર્ડમાં એપ્રુવલ ન મળતા અનેક દર્દીઓને હાલાકી, સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
આયુષ્યમાન કાર્ડમાં એપ્રુવલ ન મળતા અનેક દર્દીઓને હાલાકી, સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો 1 - image


Surat Kumar Kanani : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરીને દર્દીઓની સારવાર કરી પૈસા પડાવી લીધાનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકાર દ્વારા નવી એસ.ઓ.પી. નક્કી કરવામા આવી છે. પરંતુ હાલમાં સ્કેનીંગ થઈ રહ્યું હોવાથી આયુષ્યમાન કાર્ડમાં સારવાર માટે એપ્રુવલ ન આવતું હોવાથી ઈમરજન્સી દર્દીઓની મુશ્કેલી વધી રહી છે. આવી સંખ્યાબંધ ફરિયાદ બાદ સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને સમસ્યાનો હલ કરવા માટેની માંગણી કરી છે. 

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આર્થિક લાભ માટે ખોટા ઓપરેશન કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ભોગવવાનું પ્રજાએ પડી રહ્યું હોવાની સંખ્યાબંધ ફરિયાદ બહાર આવી રહી છે. હાલમાં આયુષ્યમાન કાર્ડમાં તાત્કાલિક સારવારમાં એપ્રુવલ ન મળતી હોવાની સંખ્યાબંધ ફરિયાદ બહાર આવી છે અને લોકો હવે ચુંટાયેલા પ્રતિનિધિઓને પણ ફરિયાદ કરી રહ્યાં છે. ત્યારે સુરત વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય  કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખીને આ સમસ્યાનો તાકીદે હલ આવે તેવી માંગણી કરી છે. 

આયુષ્યમાન કાર્ડમાં એપ્રુવલ ન મળતા અનેક દર્દીઓને હાલાકી, સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો 2 - image

ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે. પરંતુ ખ્યાતી હોસ્પિટલના ફ્રોડ પછી નવી એજન્સીની નિમણુક કરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા આ માટે એસ.ઓ.પી. પણ જાહેર કરવામા આવી છે. આ યોજનામાં કંઈ પણ ખોટું ન થાય તેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તે સારી બાબત છે. પરંતુ હાલમાં કેટલાક લોકોની ફરિયાદ છે કે તેમને એપ્રુવલ ન મળતું હોવાથી સારવારમાં મુશ્કેલી પડી રહી છે. 

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઈમરજન્સીમાં નવા કાર્ડ કઢાવી છે તેવા લોકોને ઈમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનું એપ્રુવલ મળતું નથી. તો મને એવું લાગે છે કે આ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે. પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂરી છે. ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઇને બેઠા છે. તેમાં એકસીડન્ટ કેસ પણ સામેલ છે. જેના ઈમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું અપ્રુવલ મળતું નથી. જેથી તેના જીવનું જોખમ ઉભું થતું હોય છે. આ ગંભીર બાબત છે તેથી તાત્કાલિક ઘટતું કરવા વિનંતી છે. 

સંખ્યાબંધ લોકોની આવી ફરિયાદ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરી નથી તો હવે શાસક પક્ષના ધારાસભ્યએ  લોકોની વ્યથાને મુખ્યમંત્રી સમક્ષ પત્રથી રજૂ કરી છે ત્યારે તેનો નિકાલ ઝડપી આવે તો સંખ્યાબંધ દર્દીઓની મુશ્કેલીનો અંત આવી શકે છે. 


Google NewsGoogle News