ગાંધીનગર પોલીસે સાક્ષીઓ પર કેસમાં સમાધાન માટે દબાણ કરાયાનો આક્ષેપ
ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધના બળાત્કારના કેસનો મામલો
૧૯મી ઓક્ટોબરે ગાંધીનગરના સેક્ટર-૨૧માં ગુનો દાખલ થયા બાદ ગજેન્દ્રસિંહ પરમાર ફરારઃ કેસની તપાસમાં પોલીસની કામગીરી પ્રત્યે આક્રોશ
અમદાવાદ,ગુરૂવાર
મહિલા સાથે દુષ્કર્મ મામલે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ગાંધીનગરના સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસને લઇને ફરિયાદી દ્વારા પોલીસ પર ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં કેસના સાક્ષીઓના નિવેદનની કામગીરી દરમિયાન ગજેન્દ્રસિંહના પિતા ઉદેસિંહ પરમારના કહેવાથી પોલીસ દ્વારા કેસના ફરિયાદી સમધાન કરે તે માટે દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દુષ્કર્મનો ગુનો નોંધાયા બાદ ગજેન્દ્રસિંહ પરમાર ફરાર છે. જો કે હજુ સુધી તેની શોધખોળ કરવા માટે પોલીસે કોઇ કામગીરી કરી ન હોવાનોે પણ આરોપ લગાવવામાં આવ્યો છે.અમદાવાદમાં રહેતી અને ભાજપની મહિલા સભ્ય સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચ આપ્યા બાદ ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં આવેલા સત્તાવાર ક્વાટર્સમાં બોલાવીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે શારિરીક સબધ બનાવ્યા હતા. જો કે ત્યારબાદ મહિલા સાથે વાત કરવાનું બંધ કરવાની સાથે સંબધ કાપી નાખ્યા હતા. એટલું જ નહી પોતે પરિણીત હોવા ઉપરાંત, સામાજિક મોભો ધરાવતા હોવાથી મહિલાને પણ જે થયુ તે ભુલી જવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી.
ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. જો કે ગજેન્દ્રસિંહ પરમારે રાજકીય દબાણ ઉભુ કરતા પોલીસે કાર્યવાહી કરી નહોતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગ્યા બાદ કોર્ટે ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ ૧૯મી ઓક્ટોબરના રોજ સેક્ટર-૨૧ પોલીસ મથકે દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધીને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલાના નિવેદનની સાથે ચાર સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. જો કે ગજેન્દ્રસિંહના પિતાના ઉદેસિંહ પરમારના કહેવાથી કેટલાંક પોલીસ અધિકારીઓ સાક્ષીઓ પર દબાણ કરીને કેસમાં સમાધાન થાય તે માટે પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે ગુનો નોંધાયા બાદ ગજેન્દ્રસિંહ પરમાર ફરાર થઇ ગયા છે. જો કે પોલીસે તેમને શોધવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. જોે કે પોલીસનો દાવો છે કે હ્યુમન અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કોર્ટમાં ફરિયાદની કોપી દાખલ કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં કોર્ટે કહ્યું છે કે આ કેસની તપાસ પોલીસ દ્વારા કોઇપણ રાજકીય દબાણ વિના કરવામાં આવે અને મહિલાને ન્યાય મળે.