ફાર્મ હાઉસમાં છુપાયો હતો દુષ્કર્મ કેસમાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહ, પીડિતાએ પકડ્યો તો કર્યો જીવલેણ હુમલો
BJP MLA Gajendra Sinh News : ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસના આરોપી ગજેન્દ્રસિંહ પરમારને ગૃહવિભાગનું સીધુ રક્ષણ હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતી નથી. ત્યારે પીડિત મહિલાને ગુરૂવારે માહિતી મળી હતી કે ગજેન્દ્રસિંહ ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના એક ફાર્મ હાઉસમાં હાજર છે. જેથી મહિલા ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પરંતુ, પોલીસ ન પહોંચતા મહિલાએ અંદર જઇને ગજેન્દ્રસિંહ પરમારને ઝડપી લેતા તેણે તેમજ તેના ડ્રાઇવરે મારામારી કરીને હતી અને કારમાં નાસી ગયા હતા. પરંતુ, મહિલાએ પીછો કરતા હાઇવે પર ગજેન્દ્રસિંહની ક્રેટા કાર સાથે અકસ્માત થતા મહિલાને ઇજા પહોંચી હતી. બીજી તરફ ગજેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહિલાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દુષ્કર્મના ફરાર આરોપી ભાજપના પ્રાંંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં હોવાની જાણ ફરિયાદી મહિલાને થઇ હતી. જેથી તે ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં ગજેન્દ્રસિંહ હોવાની ખાતરી થતા તેણે 17 જેટલા કોલ પોલીસ કંટ્રોલરૂમમાં કર્યા હતા. પરંતુ, બે કલાકથી વધારે સમય પસાર થવા છતાંય, પોલીસ ન આવતા મહિલાએ જાતે ફાર્મ હાઉસમાં જઇને ગજેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. આ સમયે તેણે મહિલાને માર મારી ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગજેન્દ્રસિંહના ડ્રાઇવર સંજય ઝાલાએ મહિલાને માથામાં લાકડી મારી હતી. આ દરમિયાન મહિલા સાથે આવેલા એક વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ માર માર્યો હતો.
બાદમાં ગજેન્દ્રસિંહ પરમાર ક્રેટા કારમાં ત્યાંથી નાસી ગયો હતો. જેથી મહિલાએ કારમાં તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન હાઇવે પર બમ્પ આપતા ક્રેટા કાર ધીમી પડી હતી ત્યારે મહિલાની કાર ક્રેટા સાથે અથડાઇ હતી. ત્યારબાદ અન્ય વાહન આવી જતા તે કાર લઇને ત્યાંથી નાસી ગયો હતો અને પાંચ કિલોમીટર આગળ કારને ઉભી રાખીને તે અન્ય કારમાં ફરાર થઇ ગયો હતો.
અકસ્માતમાં ઇજા થતા મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી ત્યારે સસ્પેન્ડેડ પીએસઆઇ જી એસ ગોસ્વામી ક્રેટા કારના ચાલક સંજય ઝાલાને લઇને સારવાર માટે આવ્યા હતા. એટલું જ નહી તેણે મહિલા પર દબાણ ઉભુ કરવા માટે સેક્ટર-7 પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. બીજી તરફ મહિલાએ સારવાર લીધા બાદ દહેગામ પોલીસ મથકે પહોંચીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તેના ડ્રાઇવર સંજય ઝાલા, ધારાસભ્યની મદદ માટે આવેલી સસ્પેન્ડેડ પીઆઇ ગોસ્વામી અને વાસણા ચૌધરી ગામમાં આવેલા ફાર્મની માલિકી ધરાવતા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.