સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો રાજ્યમાં કેવો રહેશે માહોલ
Gujarat Rain Updates : રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો રહ્યો છે. બીજી તરફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આગામી 5 દિવસ રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 18 જેટલાં તાલુકામાં 1 થી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ કેવો રહેશે તેની જાણકારી મેળવીએ.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત આણંદ, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદી નોંધાયો હતો. જેમાં વલસાડના ઉમરગામ અને સુરતના કામરેજમાં સાડા 3 ઈંચ સહિત સુરતના અન્ય વિસ્તારોમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે વાપીમાં 3 ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટા અને નવસારીના જલાલપોરમાં સવા 2 ઈંચ, અમરેલીના ખાંભા, વલસાડના કપરાડા, સાબરકાંઠાના પોશીના વલસાડના પારડી અને અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. તેવામાં નવસારીના ખેરગામમાં પોણા 2 ઈંચ, વડોદરાના ડભોઈ, નવસારી તાલુકામાં, અમરેલી તાલુકામાં, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે.