હવામાન વિભાગે વરસાદને લઇને કરી આગાહી, જાણો આગામી 3 દિવસ કેવો રહેશે મોનસૂનનો મિજાજ
Gujarat Weather : હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણનો સમાવેશ થાય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં વરસાદથી લોકોને રાહત મળી રહી નથી. ચોમાસાની શરૂઆત બાદથી જ અહીં છુટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે. હવે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સાઇક્લોનિક સર્કુલેશનના લીધે હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
કેવું રહેશે તમારા શહેરનું હવામાન
હવામાન વિભાગે આજે એટલે કે 10 જુલાઇના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, છોટા ઉદેપુર, વલસાડ, નવસારીનો સમાવેશ થાય છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો આજે અહીં મધ્યમ વરસાદના અણસાર છે. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થશે અને 15 જુલાઇથી સુધી રહેશે. તાપમાનની વાત કરવામાં આવે તો અહીં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
આગામી 3 દિવસ કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 11-12 અને 13 જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13 જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
મંગળવારે રાજ્યના 138 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટના લોધિકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પુર આવ્યું છે. રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. તા.14 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી.