ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાને ઘમરોળ્યા, આજે આ જિલ્લામાં ઍલર્ટ
Gujarat Rain Update: ગુજરાતમાં નવરાત્રિ પહેલાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં 3.77 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 3.58 ઇંચ, બોટાદના ગઢડામાં 3.26 ઇંચ, તાલાલામાં 3 ઇંચ અને ગીર ગઢડા 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર! દાયકામાં બીજી વખત ગુજરાતમાં સિઝનમાં 45 ઇંચ વધુ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં સિઝનનો 137 ટકા વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.
આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
પ્રાંત પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35.29 ઇંચ સાથે સિઝનનો 184.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.75 ઇંચ સાથે 113.95 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.02 ઇંચ સાથે સિઝનનો 131.63 ટકા, સૌરાષ્ટ્રમાં 42.15 ઇંચ સાથે સિઝનનો 145.21 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.58 ઇંચ સાથે સિઝનનો 140.60 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવે 100 ટકાથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ જિલ્લો નથી.