મહેસાણા વિદ્યાર્થિની આપઘાત કેસ: કોલેજના ટ્રસ્ટીને બદલે બે પ્રતિનિધિ પહોંચતાં હોબાળો, ઉભી પૂંછડીયે ભાગ્યા
Mehsana Student Suicide: મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજમાં બી.એચ.એમ.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ બુધવારે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કોલેજના પ્રોફેસર દ્વારા શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણે જીવન ટૂંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થિનીના મૃતદેહની સોંપતી વખતે સિવિલમાં કોલેજના ટ્રસ્ટીના બદલે કોલેજના બે પ્રતિનિધિઓ હાજર થતાં હોબાળો થયો હતો. જોકે, સમગ્ર મામલો વકરે તે પહેલાં જ પોલીસે દખલગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.
વિદ્યાર્થીઓએ કર્યો હુમલો
વિદ્યાર્થિનીના આપઘાતના મામલે ન્યાયની માંગ સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી યોજી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી. કલેક્ટરને આવેદન પત્ર આપી વિદ્યાર્થીઓ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર એકત્રિત થયા હતાં. જ્યાં કોલેજના ટ્રસ્ટીઓની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં અને કોલેજ તરફથી હાજર પ્રતિનિધિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનાથી પ્રતિનિધિઓ ત્યાંથી ભાગી ગયા હતાં. આ દરમિયાન પોલીસે સમયસૂચકતા વાપરી મામલો વધુ વકરે તે પહેલાં જ થાળે પાડ્યો હતો.
આ પણ વાંચોઃ મહાકુંભમાં નાસભાગમાં વિખૂટા પડેલા બનાસકાંઠાના બાપાનો પરિવાર સાથે મેળાપ થતા હાશકારો
પોલીસે પાંચ લોકો સામે નોંધી ફરિયાદ
સમગ્ર મામલે પોલીસે પાંચ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રોફેસર વિપક્ષી સુરેશરાવ વાસનીક, પ્રો. પ્રશાંત નુવાલ, પ્રો. વાય. ચન્દ્રા બોસ, પ્રો. ડૉ. સંજય રીથે અને પ્રિન્સિપાલ ડૉ. કૈલાશ પાટીલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજમાં બી.એચ.એમ.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળીએ (19 વર્ષ રહે,નગવાડા, સુરેન્દ્રનગર ) કોલેજની હોસ્ટેલના રૂમ નંબર બી-212માં બુધવારે બપોરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, રૂમમાં વિદ્યાર્થિનીને ફાંસો ખાધેલી હાલતમાં અન્ય છાત્રાઓ જોઈ જતાં બુમાબુમ કરી મૂકવા છતાં કોઈ વ્હારે ન આવતાં તેમણે જ યુવતીને બચાવવાના પ્રયાસો કરી હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. પરંતુ કમનસીબે તેણીનું મોત નીપજ્યું હતું.
વિદ્યાર્થિનીના પિતાના ગંભીર આક્ષેપો
ઉર્વશીના પિતાએ કોલેજના પ્રોફેસર દ્વારા તેને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણે જીવન ટુંકાવ્યું હોવાનોગંભીર આક્ષેપ કર્યો હતો. પ્રોફેસરો દ્વારા ધમકાવવામાં આવતી હતી નાપાસ કરવાની ધમકી આપવામાં આવતી હતી. એક જ વસ્તુ ત્રણ-ત્રણ વાર લખવાની ફરજ પાડવામાં આવતી હતી અને જાહેરમાં અપમાનિત કરવામાં આવતી હતી. આ ઉપરાંત અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો .આ મામલે પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવતાં તે પ્રોફેસરોનો પક્ષ લેતાં હતા.