સતત બીજા દિવસે શહેરમાં મેઘમહેર, મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં
ચાંદખેડા,દૂધેશ્વર,રાણીપ,રામોલ તથા ચાંદલોડીયા વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસી પડયો
અમદાવાદ,શુક્રવાર,23 ઓગસ્ટ,2024
અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ હતી.વરસાદે પેટર્ન
બદલી હોય એમ સવારના ૬થી સાંજના ૭ કલાક સુધીમાં મેમ્કો અને નરોડા વિસ્તારમાં બે ઈંચ
ઉપરાંત વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ચાંદખેડા,દૂધેશ્વર,રાણીપ,રામોલ તથા
ચાંદલોડીયા વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. સરેરાશ ૧૫.૫૦ મિલીમીટર વરસાદ થતા મોસમનો અત્યારસુધીમાં
૧૯.૪૪ ઈંચ વરસાદ થવા પામ્યો છે.વાસણા બેરેજનો એક ગેટ ૦.૫ ફુટ ખોલવામા આવ્યો હતો.
શુક્રવારે બપોરે ૧૨ કલાકે અસહય ઉકળાટ બાદ શહેરના અનેક
વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ હતી.ઉત્તરઝોનમાં આવેલા નરોડા,મેમ્કો ઉપરાંત
કુબેરનગર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા ગણતરીની મિનીટોમાં
સૈજપુર ટાવરથી ગરનાળા સુધી,
નરોડા પાટીયા,જી-વોર્ડ
ઉપરાંત સરદારનગર, નોબલનગર, નાના ચિલોડા
વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.કુબેરનગર વોર્ડમાં આવેલા બજારની દુકાનોમાં પણ
વરસાદી પાણી ફરી વળ્યા હતા.વરસાદની સાથે ડ્રેનેજના પાણી બેક મારતા હોવાની પણ
સ્થાનિકો તરફથી મ્યુનિ.તંત્ર સમક્ષ ફરિયાદ કરવામા આવી હતી.સૈજપુર ટાવરથી પાટીયા
સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.નરોડા પાટીયાથી કૃષ્ણનગર રોડ ઉપર
વરસાદી પાણી ફરી વળ્યા હતા.બંગલા એરીયા રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા હતા.સાંજે ૬
કલાકે વાસણા બેરેજનુ લેવલ ૧૩૩ ફુટ નોંધાતા બેરેજનો ગેટ નંબર-૩૦ ૦.૫ ફુટ ખોલવામાં આવ્યો હતો.એનએમસીમાંથી ૬૭૫
કયુસેક પાણીની આવક હતી.નદીમાં ૪૬૬ કયુસેક પાણીની જાવક હતી.કેનાલમાં પાણીની ૯૫૫
કયુસેક જાવક હતી.વરસાદ બંધ થયા બાદ પણ કેટલાક સ્પોટ ઉપર વરસાદી પાણી ભરાયેલા જોવા
મળ્યા હતા.
સાંજે ૭ કલાક સુધીમાં કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
નિકોલ ૨૦
રામોલ ૧૬
કઠવાડા ૨૦
ચાંદખેડા ૨૦
રાણીપ ૧૬
ચાંદલોડીયા ૧૪
દૂધેશ્વર ૧૮
મેમ્કો ૬૦
નરોડા ૬૦
કોતરપુર ૪૬