શહેરમાં મેઘમહેર યથાવત રામોલમાં ત્રણ,મણિનગર,વટવામાં બે ઈંચથી વધુ વરસાદ વરસી પડયો

શનિવારે બપોરે બે કલાકના સમયમાં ચકુડીયા, ઓઢવ,વિરાટનગરમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકયો

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
શહેરમાં મેઘમહેર યથાવત રામોલમાં ત્રણ,મણિનગર,વટવામાં બે ઈંચથી વધુ વરસાદ વરસી પડયો 1 - image


અમદાવાદ,શનિવાર,3 ઓગસ્ટ,2024

અમદાવાદમાં શનિવારે મેઘમહેર યથાવત રહી હતી.શહેરના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદની શરુઆત થઈ હતી. દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહયો હતો. સાંજેે ૪થી સાંજે ૬ કલાક સુધીના સમયમાં ચકુડીયા, ઓઢવ,વિરાટનગરમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો.રામોલમાં રાત્રિના ૮ સુધીમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો.મણિનગર અને વટવા વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ વરસી પડતા અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા હતા. સવારના ૬થી રાત્રિના ૮ કલાક સુધીમાં શહેરમાં સરેરાશ ૨૨ મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ ૧૫.૯૪ ઈંચ વરસાદ થયો હતો.

શનિવારે વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવવાની સાથે ઝરમર વરસાદ શરુ થઈ ગયો હતો. દિવસ દરમિયાન ગોંરંભાયેલા આકાશમાંથી થોડા થોડા સમયે વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં વિઝીબીલીટીમાં ઘટાડો જોવા મળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.સાંજે ૪થી ૬ કલાક દરમિયાન મણિનગરમાં ૩૪.૫૦ મિલીમીટર, વટવામાં ૨૮ મિલીમીટર, રામોલમાં ૩૫ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો.ઓઢવમાં ૩૪ મિલીમીટર, ચકુડીયામાં ૩૦ મિલીમીટર, વિરાટનગરમાં ૨૨ મિલીમીટર તથા નિકોલમાં ૧૩.૫૦ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.નદીપાર આવેલા પાલડી,ઉસ્માનપુરા ,વાસણા તથા ચાંદખેડા વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો.બોડકદેવ, સાયન્સ સીટી ઉપરાંત ગોતા તથા ચાંદલોડિયા વિસ્તારમા પણ હળવો વરસાદ નોંધાયો હતો.જોધપુર તથા મકતમપુરામાં ૧૧ મિલીમીટર તથા દાણાપીઠ વિસ્તારમાં ૧૪ મિલીમીટર જેટલો વરસાદ રાત્રિ સુધીમાં થવા પામ્યો હતો.વાસણા બેરેજ ખાતે ૧૩૨.૨૫ ફૂટ લેવલ નોંધાયુ હતુ.

રાત્રે ૮ કલાક સુધીમાં કયાં-કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૪૧

ઓઢવ          ૫૦

વિરાટનગર     ૩૨

નિકોલ          ૨૦

રામોલ         ૭૩

કઠવાડા        ૨૮

પાલડી         ૧૨

ઉસ્માનપુરા     ૧૫

બોડકદેવ       ૧૭

બોપલ          ૨૧

જોધપુર        ૧૭

દાણાપીઠ       ૨૦

મેમ્કો           ૧૬

નરોડા          ૨૨

મણિનગર      ૪૫

વટવા          ૪૫

સરેરાશ         ૨૨


Google NewsGoogle News