મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઇડલાઇન, હવે રાજ્ય બહારના પરીક્ષકો વાયવા લેશે
Medical Commission New Guidelines : નેશનલ મેડિકલ કમિશન દ્વારા પીજી મેડિકલમાં ક્લિનિકલ સબ્જેક્ટના રિસર્ચ-થીસીસની ગુણવત્તા સુધારવા માટે આ વર્ષે રિસર્ચ-થીસીસ સબમિશન મુદ્દે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હવે ક્લિનિકલ-પ્રેક્ટિકલમાં પણ વાયવા પરીક્ષા લેવાશે. રિસર્ચ થીસીસ-વાયવાના કુલ 20 માર્કસ હશે, જે પરીક્ષાના કુલ માર્કસના પાંચ ટકા રહેશે. એટલું જ નહીં, વાયવા હવેથી રાજ્ય બહારના પરીક્ષકો લેશે.
જો કે કમિશન દ્વારા થીસીસ સબમિટ ન થયો હોય તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાની છૂટ અપાઈ છે. એટલે કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત નહીં રાખી શકાય, પરંતુ વિદ્યાર્થીએ પાછળથી રિસર્ચ થીસીસ સબમિટ કરવો પડશે.
વાયવા-થીસીસના 20 માર્ક : જો થીસીસ સબમિટ ન થાય તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકી નહીં શકાય
નેશનલ મેડિકલ કમિશનના પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા તાજેતરમાં પીજી મેડિકલના અભ્યાસક્રમમાં રિસર્ચ થીસીસ-ડેઝર્ટેશન માટેની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જે 2021માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. 2021ની બેચના વિદ્યાર્થીઓની હવે ફાઇનલ પરીક્ષા હોવાથી આ બેચના વિદ્યાર્થીઓ દ્વારા કમિશનને નવી ગાઇડલાઇન મુદ્દે સ્પષ્ટતા કરવા પણ રજૂઆત કરાઈ હતી. જેને લઈને કમિશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ક્લિનિકલ-પ્રેક્ટિકલ અને વાયવાના કુલ 20 માર્કસ ગણાશે અને જે પરીક્ષાના કુલ માર્કસના પાંચ ટકા હશે. અગાઉ નોન ક્લિનિકલ સબ્જેક્ટમાં રિસર્ચ-થીસીસ ફરજિયાત હતા પરંતુ હવે તે ક્લિનિકલ સબ્જેક્ટમાં લાગુ કરાયો છે.
આ 20 માર્કસ ક્લિનિકલ-પ્રેક્ટિકલ પરીક્ષાના કુલ માર્કસમાં ગણાશે. નવી ગાઇડલાઇન મુજબ હવેથી યુનિવર્સિટીએ ડિઝર્ટેશન-થીસીસનું મૂલ્યાંકન રાજ્ય બહારના એક્ઝામીનર પાસેથી કરાવવાનું રહેશે અને રાજ્ય બહારના એક્ઝામીનર પાસેથી જ થીસીસનો વાયવા લેવાનો રહેશે. વિદ્યાર્થીએ કૉલેજના ડીન અને એચઓડી દ્વારા યુનિવર્સિટીમાં ડિઝર્ટેશન સબમિટ કરવાનો રહેશે.
પરંતુ જો એચઓડી પાસેથી થીસીસ-ડિઝર્ટેશન મળ્યાની એપ્રુવલ ન મળે તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપતા રોકી શકાશે નહીં. આ ઉપરાંત યુનિવર્સિટીની સૂચના મુજબ હવેથી માત્ર પીજી ટીચરની પણ રિસર્ચમાં સહી હશે તો માન્ય ગણાશે.
કમિશને જણાવ્યું છે કે ગાઇડલાઇનમાં આ નવા ફેરફારથી થીસીસ સંબંધિત રિસર્ચ વર્કની ગુણવત્તા વધશે. મહત્ત્વનું છે કે અગાઉ વાયવા લેવાતી ન હતી પરંતુ હવેથી વાયવા પણ લેવાશે. માત્ર વિદ્યાર્થી યુનિવર્સિટીમાં થીસીસ સબમિટ કરી દેશે તો નહીં ચાલે. જેથી વિદ્યાર્થીએ રિસર્ચ-ડેઝર્ટેશનમાં વધુ મહેનત કરવી પડશે. આ ઉપરાંત કમિશને યુનિવર્સિટીઓના ડિસેમ્બર 2024 સુધીમાં ફાઇનલ એક્ઝામ લઈ લેવા માટે આદેશ કર્યો છે.