Get The App

અમદાવાદના IIMના કેમ્પસમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું: પોલીસ તપાસ શરૂ, સુસાઇડ નોટ ન મળી

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
IIM Ahmedabad


IIM Ahmedabad Student Commits Suicide : અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM Ahmedabad)માં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષીય વિદ્યાર્થીેએ નવા હોસ્ટેલ કેમ્પસમાં તેના રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક યુવક તેલંગાણાનો વતની હતો. આત્મહત્યા અંગે હજુ સુધી પોલીસનો કોઇ નક્કર કારણ મળી શકાયું નથી. ત્યારે પોલીસે મૃતકના લેપટોપ અને મોબાઇલ ફોનને તપાસ માટે લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, તેના મિત્રોની પણ પુછપરછ કરવામાં આવશે.

MBAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ સ્થિત IIM Ahmedabadના નવા હોસ્ટલે કેમ્પસમાં રહેતા અને MBAના કોર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષીય અક્ષિત હેંમત ભુખિયા નામનો વિદ્યાર્થી ગુરૂવારે બપોરના સમયે તેના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ તેને નીચે ઉતારીને તાત્કાલિક 108 પર જાણ કરી હતી. પરંતુ, 108 ઇમરજન્સીના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ થતા હોસ્ટેલના રેક્ટર અને અન્ય સ્ટાફ દોડી અવ્યો હતો. બીજી તરફ, પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

અચાનક શા માટે આત્મહત્યા કરી?

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મૃતક અક્ષિત ભુખિયા તેલંગાણાનો રહેવાસી હતો અને MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સવારથી તેની વર્તણૂંક સામાન્ય હતી. જેથી અચાનક શા માટે આત્મહત્યા કરી? તેને લઇને અન્ય સાથી વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. આ અંગે પોલીસે અંક્ષિતના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ હતી. જો કે, કોઇ સુસાઇડ નોટ મળી આવી ન હતી. 

આ પણ વાંચો : સુરતના 12,600 થી વધુ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ થઈ શકે છે રદ, ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી

મોબાઇલ ફોન-લેપટોપ ફોરેન્સિક તપાસમાં જશે

આ અંગે ડીસીપી ઝોન-2 હિમાંશુ વર્માએ જણાવ્યું કે, અક્ષિત પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી. જેથી તેના મોત અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે તેનો મોબાઇલ ફોન-લેપટોપ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત, તેના મિત્રો અને સહ વિદ્યાર્થીઓના નિવેદન નોંધવામાં આવશે. મૃતક અક્ષિત IIM Ahmedabadના આગામી સમયમાં યોજાનારી રેડ બ્રીક્સ ઇવેન્ટનું કામ સંભાળતો હતો. સાથે-સાથે અભ્યાસમાં પણ તે હોશિયાર હતો. ત્યારે બનાવને પગલે આઇઆઇએમમાં ગમગીની જોવા મળી હતી.


Google NewsGoogle News