VIDEO: માયાભાઈ આહીર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, કહ્યું- કોઈ ચિંતાનો સવાલ નથી, હું એકદમ સ્વસ્થ
Mayabhai Ahir Discharged From Hospital : મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. 10મી ફેબ્રુઆરીની રાત્રે ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહીરને હાર્ટ અટેક આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે ગુરુવારે માયાભાઈની તબિયત સંપૂર્ણ રીતે સારી થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ માયાભાઈએ સોશિયલ મીડિયા માધ્યમ પર વીડિયો શેર કરીને પોતે સ્વસ્થ હોવાનું કહીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
લોક સાહિત્યકાર માયાભાઈ આહીરને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવવાથી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે 13 ફેબ્રુઆરીએ માયાભાઈ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પછી માયાભાઈ આહીરે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં માયાભાઈએ જણાવ્યું હતું કે, 'એપેક્સ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડૉક્ટર તેજસ પટેલે ખુબ સારી સારવાર કરી અને તાત્કાલિક મારી એન્જિયોગ્રાફી કરીને બે દિવસમાં એકદમ રેડી કર્યો. '
માયાભાઈ આહીરે શું કહ્યું?
હોસ્પિટલમાંથી રજા આપ્યા માયાભાઈ આહીરે કહ્યું કે, 'હોસ્પિટલમાં ડૉક્ટરે ખુબ સારી સારવાર કરી ને હવે હું ઘરે પરત ફરી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મારા ચાહકો સુતા નથી. જેમાં ઘણા લોકોના ફોન આવ્યા છે, તેમને મારે કહેવુ છે કે, હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતા જેવું નથી.'