મહેમદાવાદના વરસોલા પાસે પેપર ફેક્ટરીમાં લાગેલી આગ છ કલાક બાદ પણ બેકાબૂ, મોટાપાયે નુકસાનની આશંકા
Fire in Kheda: સુરેન્દ્રનગર બાદ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક આજે (23 માર્ચ, 2023) સાંજે નારાયણ પેપર મિલમાં વિકરાળ આગ લાગી છે. આગ લાગવાને છ કલાકથી વધુનો સમય થયો પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાના કામમાં લાગી છે. નડિયાદ ફાયર બ્રિગેટ ટીમે મેજર કોલ જાહેર કર્યો છે. આણંદ, વિદ્યાનગર, અમદાવાદના અસલાલીની ફાયર ટીમ ઘટના સ્થળે હાજર છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે. અહીં પર પેપર બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. ભીષણ આગથી ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની પેપર મિલમાં પણ લાગી હતી આગ
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શનિવારે એક પેપર મિલમાં આગની ઘટના બની હતી. અધિકારીએ જણાવ્યું કે, ધ્રાંગધ્રા વિસ્તારમાં સાંજે 4:15 વાગ્યે આગ લાગી હતી. જેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જિલ્લા તંત્રના અનુસાર, આગ એટલી વિકરાળ હતી કે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સેના પાસેથી મદદ માગી. હતી. ત્યારબાદ ધ્રાંગધ્રા મિલિટ્રી સ્ટેશનથી સેનાના ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. એક અધિકારીએ નિવેદનમાં કહ્યું કે, સેનાના 70-80 જવાનો અને અત્યાધુનિક સાધનો દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.
અરવલ્લીના ભિલોડાના સુનોખના જંગલોમાં આગ
ઉનાળાની શરૂઆત થતા જ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગામના જંગલમાં આગ લાગવાની ઘટના બની હતી. બપોરના સમયે જંગલ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગ લાગી હતી. તાત્કાલિક લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુ વિકરાળ બનતી ગઈ હતી. ત્યારબાદ આ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગે મોડાસા પાલિકાના ફાયર વિભાગને આ અંગે માહિતી આપી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.