ભરૂચમાં કેમિકલ કંપની અને હોટલમાં લાગી ભીષણ આગ, જાનહાનિના કોઈ અહેવાલ નહીં
Bharuch Fire News: ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયાના જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક સ્પાર્કથી શરૂ થયેલી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ વકરતા ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
કંપનીમાં આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે તમામ કર્મચારીઓને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આગના ધુમાડા દૂર-દૂર સુધી ફેલાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઝઘડિયાના જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી. સૌથી પહેલાં કંપનીના સ્ટોર રૂમમાં મૂકેલા એક કેમિકલના એક કેરબામાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. આગની જાણ થતાં જ તુરંત કંપનીના તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આગના કારણે એક બાદ એક કેમિકલના કેરબા ફાટતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. ફાયરની ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
કોઈ જાનહાનિ નથી નોંધાઈ
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, હાલ આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની સૂચના મળી નથી. જોકે, સમગ્ર આગ પર કાબૂ મેળવ્યા બાદ સાચી હકીકત સામે આવશે. આ સિવાય સમગ્ર આગ ઓલવાઈ જાય ત્યારબાદ કયા કારણોસર આગ લાગી તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
ભરૂચની હોટલમાં લાગી આગ
આ સિવાય ભરૂચની એબીસી સર્કલ નજીક આવેલી રંગ લોડર્સ હોટલમાં બીજા માળે આવેલા હોલમાં આગ લાગી હતી. જેમાં ચાદર-કવર સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, ફાયર વિભાગે કોઈ જાનહાનિ થાય તે પહેલાં જ આગમાં કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.