સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ પિયરમાં ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
બોપલમાં આવેલા સિલ્વર સ્પ્રીંગ એપાર્ટમેન્ટની ઘટના
યુવતીને મનોચિકિત્સકને ત્યાં સારવારની ફરજ પડી હતી રાજકોટમાં રહેતા સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો
અમદાવાદ,ગુરૂવાર
બોપલમાં રહેતી યુવતી પાસે તેના સાસરિયાઓએ દેવુ ચુકવવા માટે ૧૦ લાખની રકમની માંંગણી કરીને સાસરીમાંથી કાઢી મુકતા તેણે માનસિક દબાણમાં આવીને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. સાસરિયાઓનો ત્રાસ એ હદે હતો કે યુવતી માનસિક રીતે બિમાર થઇ ગઇ હતી અને તેને મનોચિકિત્સકને ત્યાં સારવાર શરૂ કરવી પડી હતી. જો કે અંતે તેણે જીવન ટુંકાવ્યું હતું. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના બોપલ ટીઆરપી મોલ પાસે આવેલા સિલ્વર સ્પ્રીંગ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઇ ડઢાણિયાની દીકરી યેશાના લગ્ન રાજકોટ કાલાવડ રોડ પર આવેલા માલાબાર હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વિરાજ વાછાણી સાથે પાંચ વર્ષ પહેલા થયા હતા. જો કે વિરાજ અને સાસુ-સસરા તેને માનસિક ત્રાસ આપતા હતા અને તેને ૧૦ લાખનું દેવુ થઇ ગયું હોવાથી તે યેશાને તેના પિયરમાંથી નાણાં લાવીને દેવુુ ચુકતે કરવા માટે કહેતો હતો.
જેથી દિનેશભાઇ તેને થોડી થોડી આર્થિક મદદ કરતા હતા. બીજી તરફ લગ્ન બાદ સંતાન ન હોવાથી તેને સાસુ સસરા મેણા મારતા તે હતાશ થઇ ગઇ હતી. ગત ૨૯ ઓગસ્ટના રોજ ઘરમા ંતકરાર વધતા દિનેશભાઇ રાજકોટ ગયા હતા. જ્યા વિરાજે કહ્યું હતું કે ૧૦ લાખ રૂપિયા આપો તો જ તમારી દીકરી મારા ઘરમા ંરહેશે. જેથી દશ લાખની વ્યવસ્થાની ખાતરી આપીને દિનેશભાઇ યેશાને બોપલ લઇ આવ્યા હતા. પરંતુ, ગત ૧૭મી સપ્ટેમ્બરના રોજ તેણે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. યેશા સાસરિયાઓના ત્રાસથી એ હદે માનસિક રીતે ભાંગી પડી હતી કે તેની માનસિક રોગના નિષ્ણાંત પાસે સારવાર શરૂ કરવી પડી હતી. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.