ગુજરાતમાં નિયમો વિરુદ્ધ પ્રોફેસરોની બદલીની અનેક ફરિયાદો, શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું
2012ના નિયમોની ઉપરવટ શિક્ષણ વિભાગની મંજૂરી વિના હુકમો થતા હવે ફરજિયાત કેમ્પ જ કરવા આદેશ
Gujarat Education Department : સરકારે 2012માં રાજ્યની સરકારી આર્ટસ, સાયન્સ,કોમર્સ અને લૉ કોલેજોના વર્ગ-2ના આસિસ્ટન્ટ પ્રોફેસરોની બદલી માટે માર્ગદર્શક સિદ્ધાંત-નિયમો નક્કી કર્યા હતા અને જે માટેનો વિધિવત ઠરાવ પણ કરવામા આવ્યો હતો. પરંતુ અધ્યાપકોની બદલી નિયમો વિરૂદ્ધ અને માર્ગદર્શક સિદ્ધાંતોની ઉપરવટ જઈને થઈ રહી હોવાનું શિક્ષણ વિભાગને ધ્યાને આવ્યુ છે. ઘણી બદલીઓ શિક્ષણ વિભાગની જાણ બહાર અને શિક્ષણ વિભાગના ઓર્ડરો વગર થતી હોવાની વ્યાપક ફરિયાદો મળતા શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નિયામકને ફરજીયાત પણે વર્ષમાં બે વાર કેમ્પો યોજીને નિયમો મુજબ જ અને સરકારની મંજૂરી બાદ જ બદલીઓ કરવા કડક આદેશ કર્યો છે.
બદલીઓ માટે વર્ષમાં બે વાર કેમ્પ યોજવો ફરજીયાત
ઉચ્ચ શિક્ષણ હેઠળની સરકારી કોલેજોના અધ્યાપકોની બદલી માટેના સરકારના શિક્ષણ વિભાગના 15 માર્ચ 2012ના ઠરાવ અને માર્ગદર્શક સિદ્ધાંતો- સૂચનાઓ મુજબ દર વર્ષે દિવાળી વેકેશનમાં અને ઉનાળુ વેકેશનમાં એ બે વાર બદલી કેમ્પો યોજીને જ વર્ગ-2ના આસિસ્ટન્ટ પ્રોફેસરોની બદલીઓ કરવી ફરજીયાત છે. બદલીઓ માટે ભરતી સમયના જીપીએસસીના ગુણને ધ્યાને રાખી મેરિટ મુજબ અને ખાલી જગ્યાઓની ઉપલબ્ધતા મુજબ જિલ્લાવાર સ્થળ પસંદગી તક આપવાની હોય છે તથા સ્વ વિનંતી સહિતની તમામ બદલીઓ માટે વર્ષમાં બે વાર કેમ્પ યોજવો ફરજીયાત છે. સરકારના આ ઠરાવ મુજબ જે જગ્યાએ અધ્યાપકના 3 વર્ષ થયા હોય અને જો કોઈ પણ ફરિયાદ અધ્યાપક સામે ન હોય તો જ શૈક્ષણિકમાં હિતમાં તે જગ્યા પર ચાલુ રાખી શકાય પરંતુ જે તે જગ્યા પર અન્ય અધ્યાપક આવવા ઈચ્છતા હોય તો બદલીઓ કરવી ફરજીયાત છે.
બદલીઓમાં નિયમોનું પાલન થતુ નથી
સરકારના 2012ના આ માર્ગદર્શક સિદ્ધાંતો-નિયમો છતાં પણ ઉચ્છ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા નિયમો વિરૂદ્ધ બદલીઓ થતી હોવાનું સરકારના શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યુ છે. જેને પગલે તાજેતરમાં શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ નિયામક કચેરીના નિયામકને પત્ર લખીને જણાવ્યું છે કે નિયમો-સિદ્ધાંતોની ઉપરવટ જઈને બદલીઓ થતી હોવાની વ્યાપક ફરિયાદો મળી છે અને નિયમોનું પાલન થતુ નથી. જેથી હવે બદલીઓ માટે વર્ષમાં બે વાર ફરજીયાત કેમ્પ યોજવાનો રહેશે અને 2012ના ઠરાવ મુજબ જ બદલીઓ કરવાની રહેશે.
બદલી અંગેના હુકમ વિભાગ કક્ષાએથી જ કરવાના રહેશે
છેલ્લા ત્રણ વર્ષણાં જે મદદનીશ પ્રધ્યાપકોની બદલી થયેલ છે તે તમામને પણ કેમ્પમાં બદલીનો લાભ આપવાનો રહેશે તથા બદલી કેમ્પમાં શિક્ષણ વિભાગના એક પ્રતિનિધિને અચૂક હાજર રાખવાને રહેશે. વર્ગ-2ના કર્મચારી-અધિકારીની બદલીની સત્તા વિભાગના વડાને પહોંચતી હોઓઈ કેમ્પથી થનાર બદલીઓ માટે વિભાગના વડાની મંજૂરી મેળવવાની રહેશે તથા બદલી અંગેના હુકમ વિભાગ કક્ષાએથી જ કરવાના રહેશે. સરકારી કોલેજના આસિ.પ્રોફેસરની કામગીરી ફેરફારથી નિમણૂંકો પણ નિયામક કચેરી દ્વારા પોતાની રીતે કરી શકશે નહીં. આમ આ પ્રમાણેની સૂચનાઓ શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને આપી છે.