સાંબેલાધાર વરસાદથી સુરતમાં જળબંબાકાર: અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ દ્રશ્યો
Heavy Rain In Surat : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો છે. ત્યારે સુરતમાં ગઈ કાલથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરતના વિસ્તારોમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 60 જેટલા ઝાડ પડ્યા હોવા અંગે ફાયર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં ઉમેરપાડામાં અઢી ઈંચ, કામરેજમાં સવા બે ઈંચ, પલસાણામાં પોણા બે ઈંચ, બારડોલીમાં સવા એક ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે મહુવા, ઓલપાડા, ચોયાર્સી, માંડવી, માંગરોળ સહિતના વિસ્તારોમાં એક મિ.મી.થી આઠ મિ.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, ભારે પવન સાથે વરસેલા વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગના ટીમ દોડતી થઈ હતી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હજુ બે દિવસ રેડ એલર્ટ: જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં અતિભારે વરસાદની આગાહી
કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા
સુરતમાં ગઈ કાલે સાંજે છ થી આઠ વાગ્યાની બે કલાકની અંદરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારે સુરતમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ડુંભાલ, લિંબાયત ઝોન ઓફિસ, લીંબાયત મીઠી ખાડી, મહાદેવ મંદિર, રાધે ક્રિષ્ના મંદિર સહિના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં 60 જેટલા ઝાડ પડ્યા
સુરતના ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે ઝાડ ધરાશાયી થયા હતા, ત્યારે ભારે વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 60 જેટલા ઝાડ પડ્યા હોવાની જાણકારી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી હતી. જેમાં શહેરમાં ઝાડ પડવાના કોલ આવતા ફાયર વિભાગના ટીમ દોડતી થઈ હતી. આ ઉપરાંત, શહેરમાં મોટી સંખ્યમાં ઝાડ પડવાથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.