Get The App

'તીસરી આંખ' છતાં અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોબાઈલ, ગુટકા, બીડી-સિગારેટની બિન્દાસ હેરાફેરી

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
Ahmedabad Central Jail


Ahmedabad Central Jail: ગૃહ રાજ્ય વિભાગ એવો દાવો કરે છે કે, અમદાવાદ મઘ્યસ્થ જેલમાં ચકલુંય ફરકી શકે નહી તેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. એટલુ જ નહીં, પ્રતિબંધિત વસ્તુઓ પણ લઇ જઇ શકાય નહી તે માટે સીસીટીવી કેમેરા નજર રાખી રહ્યા છે. આમ છતાંય મઘ્યજેલમાં મોબાઇલ ફોન, ગુટકા, તમાકુ, બીડી-સિગારેટ જેવી વસ્તુઓ પહોંચી રહી છે જેના પગલે જેલની સુરક્ષાને લઇને સવાલો ઉઠ્યાં છે. જેલમાં કોની મદદથી પ્રતિબંધિત વસ્તુઓ પહોચીં રહી છે તે મુદ્દે ખુદ જેલ સત્તાધીશો પર આંગળી ચિંધાઇ રહી છે. 

છ વર્ષમાં 150 કેદી પાસેથી 15 મોબાઇલ, 20 હજાર રોકડ પકડાઇ     

અમદાવાદ મઘ્યસ્થ જેલમાં હાલ કુલ મળીને 1340 કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. જે રીતે મઘ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેદીઓ પાસેથી મળી રહી છે તે જોતાં લાગે છે કે, હવે તો જેલ પણ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઇ છે. કેદીઓને હવે જેલમાં ડર રહ્યો નથી તેનુ કારણ છે કે, સીસીટીવી કેમેરા-ચાંપતા બંદોબસ્ત વચ્ચે પણ કેદીઓને મોબાઇલ ફોનથી માંડીને બીડી સિગારેટ તમાકુ જ નહીં, રોકડ રકમ સુઘ્ધાં મળી રહે છે. કડવી હકીકત એ છે કે, ભ્રષ્ટ અધિકારી- કર્મચારીઓના મેળાપિપણાને લીધે જ પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેદીઓ સુધી પહોંચે છે. 

આ પણ વાંચો: અસહય ઉકળાટ બાદ વરસાદનું આગમન, ચાંદખેડા,વાસણામાં બે, ચાંદલોડીયા, મકતમપુરામાં એક ઈંચથી વધુ વરસાદ

જેલમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા

ખુદ સરકારે વિગતો જાહેર કરી છે કે, અમદાવાદ મઘ્યસ્થ જેલમાંથી વર્ષ 2019 થી માંડીને વર્ષ 2024 સુધીમાં કુલ મળીને 150 કેદીઓ પાસેથી 15 મોબાઇલ ફોન, 1147 તમાકુ, ગુટકા, બીડી-સિગારેટ ઉપરાંત 20 હજાર રોકડ રકમ પકડાઇ છે. ઉલ્લેખનીય છે કે, આ જ ફરિયાદોને પગલે અગાઉ ખુદ ગૃહ રાજ્યમંત્રીએ પણ જેલમાં ઓચિંતા દરોડા પાડ્યા હતાં. પણ આ બઘુય કર્યા પછીય જેલતંત્ર સુધર્યુ હોય તેમ લાગતુ નથી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંકલન સમિતીમાં અમદાવાદ મઘ્યસ્થ જેલમાં અધિકારીઓની ખાલી જગ્યાથી માંડીને પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

પ્રતિબંધિત વસ્તુઓ પકડાઇ છતાં 50 કેદીઓ સામે કોઇ પગલાં ન લેવાયા 

અમદાવાદ મઘ્યસ્થ જેલમાંથી 150 કેદીઓ પાસેથી મોબાઇલ ફોન, બીડી સિગારેટ,તમાકુ-ગુટકા સહિત પ્રતિબંધિત ચીજવસ્તુઓ પકડાઇ હતી. જોકે, ખુદ સરકારે જ કબૂલ્યુ છેકે, 50 કેદીઓ વિરુઘ્ધ આજ દીન સુધી જેલ સત્તાધીશોએ પગલાં લીધા નથી. કેદીઓ પ્રત્યે કેમ દયાભાવ રાખવામાં આવે છે તે સમજાતુ નથી. 

'તીસરી આંખ' છતાં અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોબાઈલ, ગુટકા, બીડી-સિગારેટની બિન્દાસ હેરાફેરી 2 - image


Google NewsGoogle News