Get The App

માંદગીની ઋતુ ગણાતી વસંત ઋતુમાં કેરી કે ફ્રોઝન રસ ન ખવાય

પેટની તકલીફના કેસોે વધી રહ્યા છે ત્યારે વૈદ્યની સલાહ

વસંત ઋતુમાં કફ ન વધે ને માંદગી ન આવે તે માટે જ ચૈત્રી નવરાત્રિમાં લીમડાંના મોરનો રસ પીવાની પ્રથા

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
માંદગીની ઋતુ ગણાતી વસંત ઋતુમાં કેરી કે ફ્રોઝન રસ ન ખવાય 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

વસંતઋતુમાં ગરમી વધી ગઈ હોવા છતાંય તે કફની ઋતુ હોવાથી કેરી મળતી હોય તો પણ ન ખાવી જોઈએ, કારણ કે કેરી કફ વધારનારી છે. કેળાં, ટેટી અને તરબૂચ પણ કફવર્ધક હોવાથી અત્યારે ન જ ખાવા જોઈએ, એમ આયુર્વેદના નિષ્ણાતો માને છે.ગ્રીષ્મ ઋતુ બેસે તે પછી જ આ તમામ ફળ ખાવા જોઈએ અન્યથા તે માંદગી વધારનાર સાબિત થઈ શકે છે. 

અત્યારે વસંત ઋતુ ચાલે છે અને આગામી ૧૯મી એપ્રિલ સુધી વસંતઋતુનો પ્રભાવ રહેવાનો હોવાથી ખાવાના શોખીનોએ માંદગીથી બચવું હોય તો તેમણે ચીઝ, પનીર, દહીં જેવા ડેરી પ્રોડક્ટ્સથી પણ દૂર રહેવું જોઈએ.

ગુજરાતી કેલેન્ડરમાં જણાવ્યા મુજબ ૧૯મી એપ્રિલથી ગ્રીષ્મ ઋતુનો આરંભ થાય છે. તેથી ત્યારબાદ જ કેળાં, કેરી, ટેટી કે તરબૂચ સહિતના ફળનો આહાર લેવો ચાલુ કરવો જોઈએ. વૈદ્ય પ્રવીણ હિરપરા કહે છે કે વસંત ઋતુમાં ફ્રીજનું ઠંડું પાણી પણ પીવું ન જોઈએ. આ તમામ બાબતો કફવર્ધક બનશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન લીમડાંના મોરનો રસ પીવાના નિયમ પાછળનું કારણ પણ માનવ શરીરમાં કફ વૃદ્ધિ ન થાય અને માંદગી ન વધે તેવો જ છે. 


Tags :