સુરત ફરી એકવાર થયું શર્મસાર: માંડવીની સગીરા પર બળાત્કાર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો
One More Rape Case in Surat: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે માંગરોળના બોરસરાં સામૂહિક દુષ્કર્મની ઘટના સાથે હતી. હજુ એ ઘટનાના પડઘા શાંત પડ્યા નથી ત્યાં તો માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે અનેકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બનેલી ગેંગરેપની ઘટનાના ગણતરીના કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વિધર્મી ઈસમે સગીરાને વારવાર પીંખી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં થોડીક જ ક્ષણોમાં તેને કસુવાવડ થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંડવી તાલુકાના નજીક એક ગામમાં શ્રમિક પરિવારની 14 વર્ષની માસૂમ દિકરી સાથે વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ઓગસ્ટ 2023 થી માર્ચ 2024 દરમિયાન સતત આઠ મહિના સુધી એક વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં સગીરા ગર્ભવતી બની હતી. વિધર્મી ઇસમ સગીરાને લલચાવી ફોસલાવીને રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો.
સગીરાને અચાનક પેટમાં દુખવો ઉપડતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર ડૉક્ટરોએ જણાવ્યું હતું કે સગીર ગર્ભવતી છે. આ વાત સાંભળીને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આ દરમિયાન સગીરાને થોડી જ વારમાં કસુવાડ થઇ ગઇ હતી. આ અંગે સગીરા સાથેપૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે માંગરોળના ભાટકોલ ગામના અરબાજ સિરાજ પઠાણ નામના વ્યક્તિએ તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું છે. હવસખોર સગીરાને વારંવાર સગીરના ધમકી આપીને ડરાવતો હતો. જેથી ભયભીત બની ગયેલી માસૂમ દિકરીએ અત્યાર સુધી આ વાત છુપાવી હતી. આ સમગ્ર મામલે માંડવી પોલીસે પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ અંતગર્ત ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ચાલુ ગરબામાં બબાલ! બે રાઉન્ડ ફાયરિંગ, કાયદો વ્યવસ્થાની મજાક બની
દીકરીઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે...?
સલામત ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે ફરી શકે છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે પણ પંદેરક દિવસમાં જ બળાત્કારના સાતથી વધુ કિસ્સા પોલીસ ચોપડે નોધાયાં છે. દાહોદ, વડોદરા, સુરેન્દ્રનગર, મહેસાણા, રાજકોટ, ધ્રાંગધ્રા, કચ્છ સહિત અન્ય શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓએ કાયદા વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા કર્યાં છે. કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે એવો આક્ષેપ કર્યો છે કે, પશ્વિમ બંગાળમાં બળાત્કાર થાય તો ભાજપ ઠેર ઠેર ધરણાં અને વિરોધ પ્રદર્શન કરે. જયારે ગુજરાતમાં બળાત્કાર થાય તો ભાજપના નેતાઓના મોં સિવાઈ જાય છે. હાલ ગુજરાતમાં આપણી દિકરીઓની સુરક્ષા આપણે જ કરવી પડે તેવી સ્થિતી પરિણમી છે. ગુજરાતીઓને જાણે હવે ખાખી વર્દી પર ભરોસો રહ્યો નથી. પોલીસ પણ આવી ઘટનાઓમાં સહકાર આપતી નથી.