'ગ્રોથ એન્જિન' ગણાતાં ગુજરાતમાં દર ચોથું બાળક કૂપોષિત, ત્રિપુરા-ઝારખંડ કરતાં પણ ખરાબ સ્થિતિ
Malnourished Children in Gujarat: ગુજરાતને 'મોડેલ સ્ટેટ' કે 'ગ્રોથ એન્જિન' જેવા રૂપાળા નામ એપીને વિશ્વ સમક્ષ સુંદર ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય. પરંતુ વાસ્તવિક ચિત્ર ખૂબ જ ચિંતા ઉપજાવે તેવું છે. લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73 ટકા બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 ટકા બાળકોને નિર્ધારીત માપદંડ કરતાં ઓછું વજન હોવાનું સામે આવ્યું છે.
કુપોષણ મામલે ગુજરાત છઠ્ઠા સ્થાને
જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 46.36 ટકા, મહારાષ્ટ્રમાં 44.59 ટકા, આસામમાં 41.98 ટકા બાળક કુપોષિત છે. બાળકોમાં કુપોષણને મામલે ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ જેવા રાજ્યો કરતાં પણ ગુજરાતની સ્થિતિ બદતર છે. બાળકોમાં કુપોષણમાં ગુજરાતની સ્થિતિ સુધરવાનું નામ જ લઇ રહી નથી. વર્ષ 2022માં 51.92 ટકા અને વર્ષ 2023માં 43.78 બાળકો કુપોષિત હતા.
આ પણ વાંચો: મધ્ય ગુજરાતની નદીઓમાં 1200 મગર, બે મહિનામાં 7 લોકોને ખેંચી જતાં મોત, સાવચેતીનું એલર્ટ જાહેર
21.39 ટકા બાળકોનું અપૂરતું વજન
કુપોષણની આ સ્થિતિ દૂર કરવામાં સરકારને જ રસ નથી તેમ જણાય છે. 'મિશન પોષણ 2.0' હેઠળ ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 2879.30 કરોડનું ફંડ અપાયું છે. તેમાંથી માત્ર રૂપિયા 1310.23 કરોડના જ ફંડનો ઉપયોગ થયો છે. રાજ્યના બાળકો માત્ર કુપોષણ જ નહીં ઓછા વજનની સમસ્યા પણ ધરાવે છે. 5 વર્ષ સુધીના 21.39 ટકા બાળકોનું અપૂરતું વજન છે.
ગુજરાતમાં 2023માં 20.40 ટકા, 2022માં 23.54 ટકા બાળકોનું વજન અપૂરતું હતું. જેના પરથી જ આ મામલે પણ તંત્ર દ્વારા કોઇ પ્રકારના પગલા નહીં લેવામાં આવ્યા હોવાનું જણાય છે. જૂન 2024 સુધી દેશમાં 36.52 ટકા બાળકોને કુપોષણ અને 16.43 ટકા બાળકોને અપૂરતા વજનની સમસ્યા છે. આ સ્થિતિએ દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતની સ્થિતિ નબળી છે. અપૂરતા વજનની સૌથી વઘુ સમસ્યા હોય તેવા મોટા રાજ્યોમાં મઘ્ય પ્રદેશ બાદ ગુજરાત બીજા સ્થાને છે.