Get The App

મહાકુંભ: એક કલાકમાં STની તમામ 1360 ટિકિટ વેચાઈ કે વહેંચાઈ, ભાજપે ગોઠવણ કર્યાની ચર્ચા

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
મહાકુંભ: એક કલાકમાં STની તમામ 1360 ટિકિટ વેચાઈ કે વહેંચાઈ, ભાજપે ગોઠવણ કર્યાની ચર્ચા 1 - image


Mahakumbh 2025 : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) દ્વારા હાલમાં યોજાઇ રહેલા મહાકુંભમાં જવા માગતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ બસ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. આ બસ માટે ટિકિટ બુકિંગ શરૂ કરાયું તેના એક કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ વેચાઇ ગઇ છે. માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટનું ‘વેચાણ’ થઇ જતાં અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા. 

ભાજપે પોતાના લાભાર્થીઓને જ ટિકિટ મળે તેવી ગોઠવણ કરી હોવાની ચર્ચા 

આગામી 27 જાન્યુઆરીના આ બસ સેવાનો પ્રારંભ થશે. આ બસ દરરોજ સવારે 7 વાગે અમદાવાદના રાણીપ એસ.ટી. ડેપોથી પ્રયાગરાજ જવા નીકળશે. 3 દિવસ-4 રાત માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 8100નું ભાડું ધરાવતી આ બસ માટે ટિકિટ બુકિંગનો 25મીએ રાતના 12 કલાકે પ્રારંભ થયો હતો. ટિકિટ બુકિંગ શરૂ કરાયાના એકાદ કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ 1380 ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. સવાર પડતાં જ ટિકિટ બુક કરાવનારાએ જ્યારે બુકિંગ માટે પ્રયાસ કરતાં 25 ફેબ્રુઆરી સુધી ‘બુક’ બતાવતા તેઓ નિરાશ થયા હતા. 

એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ બસમાં 46 મુસાફરોના બેસવાની ક્ષમતા છે. આગામી 30 દિવસમાં 1380 મુસાફરો અમદાવાદથી મહાકુંભ માટે જશે. એક જ કલાકમાં તમામ ટિકિટનું વેચાણ થઇ જતાં લોકોમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરોએ તેમના ‘ટેકેદારો’ ને ફાયદો કરાવવા પહેલેથી જ તમામ ટિકિટ ખરીદી લેવા કે એડવાન્સ બુકિંગ કરાવી લેવાની ગોઠવણ કરી દીધી હતી. આ સિવાય સવાર પડતાં જ તમામે-તમામ દિવસની ટિકિટનું વેચાણ થઇ જાય એ કોઇ રીતે શક્ય બને નહીં. આ તમામ ટિકિટના વેચાણથી એસટીને અંદાજે રૂપિયા 1.11 કરોડથી વધુની આવક થઇ છે. 

હવે આગામી દિવસોમાં મહાકુંભ માટે આ પ્રકારના પેકેજ ધરાવતી વધુ સ્પેશિયલ બસ શરૂ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. અમદાવાદ ઉપરાંત  રાજકોટ, સુરત, વડોદરાથી પણ મહાકુંભમાં જવા એસટીની સ્પેશિયલ બસ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. 

એરફેર આસમાને, ટ્રેનમાં વેઇટિંગ, એસટીમાં ‘સેટિંગ’..

અમદાવાદથી પ્રયાગરાજ પહોંચવું કેવી રીતે તે હવે શ્રદ્ધાળુઓ માટે વિકટ પ્રશ્ન થઇ ગયો છે. વન-વે એરફેર 40 હજાર સુધી પહોંચી ગયું છે, સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ હોવા છતાં ટ્રેનોમાં વેઇટિંગ 300 જેટલું છે. બીજી તરફ એસટી દ્વારા સ્પેશિયલ બસ શરૂ કરાઇ તેમાં પણ સેટિંગ હોય તો જ ટિકિટ મળે તેવી સ્થિતિ છે. જેના કારણે શ્રદ્ધાળુઓમાં વધુ બસ, વધુ ટ્રેન શરૂ કરવાની માગ ઉઠી છે. 

પ્રયાગરાજ માટે 10  દિવસમાં ખાનગી બસો 3 ગણી વધી

મહાકુંભનો પ્રારંભ થયો ત્યારે અમદાવાદથી પ્રયાગરાજ માટે માત્ર પાંચ જેટલી ખાનગી બસ હતી. હવે ખાનગી બસોની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે. આ બસમાં રૂપિયા 3800થી લઇને રૂપિયા 6 હજાર સુધીના ભાડા છે. 

મહાકુંભ : અમદાવાદ-પ્રયાગરાજ બસનું શેડ્યૂલ

દિવસ 1

સવારે 7 : અમદાવાદ રાણીપથી પ્રસ્થાન.

સાંજે 7 : મઘ્ય પ્રદેશના શિવપુરીમાં રાત્રિ રોકાણ. 

દિવસ 2

સવારે 6 : શિવપુરીથી પ્રસ્થાન, 

બપોર બાદ : પ્રયાગરાજ આગમન.

રાત્રિ રોકાણ : પ્રયાગરાજ

દિવસ 3

બપોરે 1 :  પ્રયાગરાજથી પ્રસ્થાન

રાત્રે 11 : શિવપુરી પહોંચશે.

દિવસ 4

સવારે 7 : શિવપુરીથી પ્રસ્થાન.

સાંજે 7 : અમદાવાદ રાણીપ પરત


Google NewsGoogle News