માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગ કૌભાંડનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દિપક ઠક્કર દુબઈથી ઝડપાયો
Madhupura Gambling Racket: અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી છે. દીપક ઠક્કર ડીસાનો રહેવાસી છે અને તે દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો.
દીપક ઠક્કર દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ કરતો હતો
સટ્ટાખોર દીપક ઠક્કર સામે છેતરપિંડી, બનાવટ, કાવતરું અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સીબીઆઈએ તેની સામે ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. જે બાદ દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે સીબીઆઈ અને ઈન્ટરપોલના સહયોગથી આ કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી દીપક ઠક્કર વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરી લીધા છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: સ્ટાઈપેન્ડ મુદ્દે રાજ્યભરના રેસિડેન્ટ ડૉક્ટર સોમવારથી હડતાલ પર, કહ્યું- 40ના બદલે 20% વધારો અસ્વીકાર્ય
43 વર્ષ વર્ષીય દિપક ઠક્કર બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો છે. તે ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે સટ્ટો રમાડતો હતો અને દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ કરતો હતો. હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા.
માધુપુરા સટ્ટા બેટિંગ કૌભાંડ
માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી 35 વધુ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે. માધુપુરામાં પીસીબીએ દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જો કે આ કેસમાં તે સમયના પીસીબીના પી.આઇ. તરલ ભટ્ટની શંકાસ્પદ કામગીરીને પગલે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ પાર્થ દોશી અને ધવલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી.