એમ.પી.,એમ.એલ.એ. સંકલન બેઠકમાં શહેરની ગટરના ડિસિલ્ટીંગ પાછળ થતાં કરોડોના ખર્ચનો ભાજપના ધારાસભ્યો દ્વારા હિસાબ મંગાયો

અમદાવાદમાં આવેલા તળાવોનો મ્યુનિ.તંત્ર-કલેકટર તંત્ર વચ્ચે સંકલનના અભાવે વિકાસ થતો ન હોવા અંગે રજુઆત

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
એમ.પી.,એમ.એલ.એ. સંકલન  બેઠકમાં શહેરની ગટરના ડિસિલ્ટીંગ પાછળ થતાં કરોડોના ખર્ચનો ભાજપના ધારાસભ્યો દ્વારા હિસાબ મંગાયો 1 - image


અમદાવાદ, શુક્રવાર,22 સપ્ટેમબર,2023

અમદાવાદના સંસદસભ્યો અને ધારાસભ્યો સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મેનહોલ તથા કેચપીટની સફાઈ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે કયા કારણથી એવી રજુઆત કરી મ્યુનિ.દ્વારા ડિસિલ્ટીંગના નામે મંજુર કરવામાં આવતા કરોડો રુપિયાના ટેન્ડરનો હિસાબ માંગવામાં આવ્યો હતો.શહેરમાં આવેલા તળાવોનો મ્યુનિ.તંત્ર તથા કલેકટર તંત્ર વચ્ચે સંકલનના અભાવે વિકાસ થતો નહીં હોવા અંગે પણ બેઠકમાં રજુઆત કરવામાં આવી હતી.

અમદાવાદના કલેકટર,મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત શહેર ટ્રાફિક પોલીસ અધિકારીઓ સાથે સંસદસભ્યો તથા ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠકમાં શહેરમાં ચોમાસાની મોસમ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના પ્રશ્ને બેઠકમાં હાજર ભાજપના ધારાસભ્યોએ એકમત થઈ રજુઆત કરી હતી.એલિસબ્રિજના ધારાસભ્ય અમિત પી શાહે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોમાસા અગાઉ તમામ ઝોનમાં આવેલ મેનહોલ તથા કેચપીટના ડિસિલ્ટીંગ માટે કરોડો રુપિયાના ટેન્ડર મંજુર કરાતા હોવા છતાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની  બાબત મુખ્ય સમસ્યા બની સામે આવતી હોવાની રજુઆત કરી હતી.સુપર સકર મશીન તથા સી.સી.ટી.વી.કેમેરાની મદદથી ડિસિલ્ટીંગ કરવા જો કરોડો રુપિયા કોન્ટ્રાકટરોને ચુકવવામા આવતા હોય એ પછી પણ આ સમસ્યા કયા કારણથી શહેરીજનોને સહન કરવી પડે એવો વેધક સવાલ તંત્રના અધિકારીઓને કર્યો હતો.શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને તળાવો ડેવલપ કરવા આપવામાં આવ્યા છે.તળાવો ડેવલપ કરવા દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવે છે.પરંતુ મ્યુનિ.તંત્ર અને કલેકટર તંત્ર વચ્ચેની ખેંચતાણમાં તળાવોનો વિકાસ થઈ શકતો નથી.વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી ધોરણે ગરનાળુ બનાવવા રજુઆત કરાઈ હતી.દરિયાપુરના ધારાસભ્યે શાહપુરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવા પ્લોટ ફાળવવા રજુઆત કરી હતી.જમાલપુર-ખાડિયાના ધારાસભ્યે વિશાલા સર્કલથી સરખેજ સુધી મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોવાથી નવો બ્રિજ બનાવવા તેમજ વિકટોરીયા ગાર્ડનથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી રહેતી ટ્રાફિકની સમસ્યા પ્લાનિંગ કરી હળવી કરવા રજુઆત કરી હતી.


Google NewsGoogle News