એમડી ડ્રગ્સનો કારોબાર કરતા ડીલરોને ખાનગીમાં વેચાણની ખુલી છુટ અપાઇ
પોલીસના કેટલાંક વહીવટદારોએ હદ વટાવી
શાહપુર, કાંરજ, દરિયાપુર અને કાલુપુર વિસ્તારમાં કેટલાંક એક ગ્રામથી ઓછો જથ્થો સપ્લાય કરતા તત્વોએ સગીર લોકોને પણ ટારગેટ કરાયા
અમદાવાદ,મંગળવાર
શહેરમાં એમ ડી ડ્રગ્સનું વેચાણ કરતા કેટલાંક તત્વોએ શાહપુર, કારંજ, દરિયાપુર, કાલુપુર અને જમાલપુર વિસ્તારમાં કારોબાર વધારવા માટે સ્થાનિક વહીવટદારોને સાથે લઇ નવો કારસો શરૂ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં આ વિસ્તારોમાં એમ ડી સહિતના ડ્રગ્સનું વેચાણ વધે તે માટે વહીવટદારોે સાથે તેમના વિસ્તારના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અંધારામાં રાખીને કેટલાંક ડ્રગ્સ ડીલરોેને ખાનગીમાં છુટ આપવામાં આવી છે. આ માટે પ્રોહીબીશન કરતા અનેક ગણી મોટી ડીલ કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. શહેરમાં એમ ડી ડ્રગ્સનું વેચાણ વધે તે માટે ડ્રગ્સ માફિયાઓએ યુવાનો વધુને વધુ ટારગેટ કરવા કેટલાંક ડ્રગ્સ માફિયાઓએ છેલ્લાં બે થી ત્રણ મહિનાઓથી તેમની મોડ્સ ઓપરેન્ડી બદલી છે. જેમાં શહેરના કેટલાંક ચોક્કસ વિસ્તારમાં ડ્રગ્સની આદત ધરાવતા યુવાનોમાં ડ્રગ્સનું વેચાણ વધે તે માટે કેટલાંક વહીવટદારો સાથે સીધી સાંઠગાંઠ કરી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં શાહપુર, દરિયાપુર, કાંરજ, કાલુપુર સહિતના કેટલાંક વિસ્તારોમાં સ્થાનિક ડ્રગ્સ ડીલરોને સ્થાનિક યુવાનોને ટારગેટ કરવા સુચના આપી છે. કોઇને શંકા ન ઉપજે અને મોટા પ્રમાણમાં કાર્યવાહી ન થાય તે માટે એક ગ્રામથી ઓછા વજનના એમ ડીને વેચાણ કરવાની સુચના આપી છે. સૌથી નવાઇની વાત એ છે કે વહીવટદારોએ તેમની હદના પોલીસ અધિકારીઓેને અંધારામાં રાખીને સમગ્ર નેટવર્કને લીલી ઝંડી આપી છે. જે માટે પ્રોહીબીશન કે અન્ય કાળા કારોબાર કરતા બમણો ભાવ નક્કી કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
જેના કારણે શાહપુર સહિતના પોલીસ સ્ટેશનમાં બુટલેગરોની સાથે એમ ડી જેવા ડ્રગ્સના સપ્લાયર્સ પણ સક્રિય થયા છે. જે બાબતની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતા તેની ગંભીર નોંધ લઇને કેટલાંક વહીવટદારો પર વોચ રાખવા માટે સુચના આપવામાં આવી છે. જેના આધારે આગામી સમયમાં મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી શકે તેમ છે. બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચના જેસીપીએ શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા માટે મોટાપ્રમાણમાં કાર્યવાહી કરવા સુચના આપી છે. પરંતુ, સ્થાનિક વહીવટદારોએ હદ વટાવતા હવે ડ્રગ્સનો કારોબારને ટેકો મળી રહ્યો છે.