Get The App

કોરોનાને કારણે ભારતીયોના ફેફસાંને સૌથી વધુ નુકસાન, અભ્યાસમાં ડરામણાં તારણોનો ખુલાસો

ભારત, યુરોપ અને ચીનના કોરોના દર્દીઓના ફેફસાંને વધારે નુકસાન

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
કોરોનાને કારણે ભારતીયોના ફેફસાંને સૌથી વધુ નુકસાન, અભ્યાસમાં ડરામણાં તારણોનો ખુલાસો 1 - image
Image : Freepic

Lungs of Indians Suffered The Most Due to Corona : કોરોના મહામારીને કારણે ભારતીયોના ફેફસાંને વધારે નુકશાન થવાને કારણે અડધા જેટલાં દર્દીઓને શ્વાસ ચઢી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડયો હોવાનું એક અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે. ધ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ-સીએમસી- વેલ્લોર દ્વારા 207 દર્દીઓને તપાસી તેમના ફેફસાંની કામગીરી વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો જેને પ્લોસ ગ્લોબલ હેલ્થ પબ્લિક હેલ્થ નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું

આ અભ્યાસમાં જણાયું હતું કે કોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ બે મહિના પછી પણ ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું હતું. આ અભ્યાસ માટે તપાસવામાં આવેલાં દર્દીઓમાંથી 49.3 ટકાને શ્વાસ ચઢી જવાની અને 27.1 ટકાને કફની સમસ્યા થઈ હોવાનું જણાયું હતું. આ અભ્યાસમાં ચીન અને યુરોપમાં થયેલાં અભ્યાસના ડેટાની સરખામણી કરાઈ હતી. ઈટાલીમાં કરવામાં આવેલાં અભ્યાસમાં 43 ટકા લોકોને શ્વાસ ચઢી જવાની અને 20 ટકા કરતાં ઓછાં લોકોને કફની સમસ્યા થઈ હતી. જ્યારે ચીનમાં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર આ સમસ્યાઓનું પ્રમાણ ભારતીય દર્દીઓ કરતાં ઓછું જણાયું હતું. 

આટલા દર્દીઓમાં ઓક્સિજનને લોહીમાં ટ્રાન્સફર કરવાની ફેફસાંની ક્ષમતાને અસર થઈ

સીએમસી વેલ્લોર ખાતે પલ્મોનરી મેડિસિનના પ્રોફેસર અને મુખ્ય સંશોધક ડી.જે. ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે આ અભ્યાસ પરથી સ્પષ્ટ થયું છે કે ભારતીય દર્દીઓને અન્ય દેશોના દર્દીઓની સરખામણીમાં ફેફસાંની કામગીરીને વધારે અસર થઈ હતી. ભારતીયોના ફેફસાંઓને જ કેમ વધારે અસર થઈ તેના ચોક્કસ કારણો જાણવાનું તો અશક્ય છે પણ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં અન્ય રોગો ધરાવતાં દર્દીઓનું પ્રમાણ વધારે હતું. અભ્યાસમાં જણાર્યું હતું કે 72.5 ટકા દર્દીઓને ડાયાબિટિસ, હાઈપર ટેન્શન અને ફેફસાંની અન્ય બિમારી થયેલી હતી. ફેફસાંના પરીક્ષણમાં જણાયું હતું કે 44.4 ટકા દર્દીઓમાં ઓક્સિજનને રક્તમાં ટ્રાન્સફર કરવાની ફેફસાંની ક્ષમતાને અસર થઈ હતી. જેના કારણે ઘણાંને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી.

દેશમાં 2022માં સત્યાવીસ લાખ કરતાં વધારે ટીબીના દર્દીઓ હતા

ફેફસાંને નુકશાન કરનારૂ બીજું મોટું પરિબળ હવાનું પ્રદૂષણ હોઈ શકે જેને કારણે આપણાં ફેફસાંને નુકશાન થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટે છે. દિલ્હીના પલ્મોનોલોજિસ્ટ વિવેક નાંગિયાએ જણાવ્યું હતું કે દેશમાં 2022માં સત્યાવીસ લાખ કરતાં વધારે ટીબીના દર્દીઓ હતા. ટીબી વધારે પ્રમાણમાં ફેલાયેલો હોવાથી પણ ફેફસાંને વધારે નુકસાન થયું હોવાનું બની શકે. જો કે, ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે આ અભ્યાસ સમયે એકપણ દર્દીને ટીબી થયેલો નહોતો.

કોરોનાને કારણે ભારતીયોના ફેફસાંને સૌથી વધુ નુકસાન, અભ્યાસમાં ડરામણાં તારણોનો ખુલાસો 2 - image


Google NewsGoogle News