મોસાળથી નીજ મંદિરે પરત ફર્યા ભગવાન જગન્નાથ, કરાઇ નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ પરંપરાનું મહત્વ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Rathyatra 2024


Jagannath Rath Yatra 2024: જગન્નાથ ભગવાનની 147મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. તેવામાં સરસપુર ખાતે મામાના ઘરે 15 દિવસ રહ્યાં પછી, આજે(5 જુલાઈ) ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નીજ મંદિરે પાછા ફર્યા છે. જેમાં નીજ મંદિરે પરત આવ્યાં પછી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનને આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચા માટે નીકળશે.

આંખે પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી

ભગવાન જગન્નાથ સરસપુર ખાતેના મામાના ઘરેથી નીજ મંદિરે પરત ફરતાં તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ, 15 દિવસ મામા ઘરે રોકાયાં ત્યારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી જાય છે અને પછી જગન્નાથને વૈદિક મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બાંધી  નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ સાથે ધ્વજારોહણની વિધિ, સોનાવેષના દર્શન, ગજરાજપૂજન અને મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ કરવામાં આવી હતી. 

નીજ મંદિર પરત ફર્યા પછી આજે(5 જુલાઈ) સવારે ભગવાનની આરતી કરતાં આખું મંદિર 'જય જગન્નાથ... જય જગન્નાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આખરે ભગવાન જગન્નાથજીના 15 દિવસ પછી દર્શન થતાં ભક્તો હરખમય બન્યાં હતાં.

જાણો નેત્રોત્સવ વિધિ શું છે.

ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં રોકાય છે, આ દરમિયાન મોસાળમાં ભાણેજને અલગ અલગ મિષ્ઠાન્ન અને જાંબુ ખવડાવવામાં આવે છે. આમ તેવું માનવામાં આવે છે કે, મોસાળમાં ભાણેજને નીતનવા મિષ્ઠાન્ન ખવડાવવાથી ભગવાનને આંખો આવી જાય છે. તેવામાં જ્યારે ભગવાન નીજ મંદિરે પાછા ફરે છે ત્યારે જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આમ આ વિધિ પ્રમાણે જગન્નાથજીને આંખે પાટા બાંધવામાં આવે છે.

અષાઢી બીજે નીકળશે રથયાત્રા

આગામી અષાઢી બીજે જગન્નાથજી નગર ચર્ચાએ નીકળશે. આ દિવસે વહેલી સવારે 4 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે. આ પછી મંગલઆરતી કરીને મુખ્યમંત્રી દ્વારા પહીંદવિધિ કરીને ભગવાનના રથને પ્રસ્તાન કરાવવામાં આવે છે. 


Google NewsGoogle News