લાંબી રજાઓ ભોગવતાં 'સરકારી બાબુ' ચેતી જજો, તમામ વિભાગમાં તપાસ હાથ ધરવાની તૈયારી

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
government employees


Gujarat Government: ગુજરાતમાં સરકારી નોકરીમાં લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જલસા કરતા અધિકારી અને કર્મચારીઓ માટે સરકાર હવે કડક નિયમો લાવી રહી છે. પહેલાં શિક્ષણ અને હવે આરોગ્ય વિભાગમાં ચાલુ નોકરીએ વિદેશ જવાના કિસ્સા સામે આવતાં ચોંકી ઉઠેલી સરકારે વિદેશગમન માટેના જૂના પુરાણા નિયમોનો રિવ્યૂ કરવાનું નક્કી કર્યું છે.

હવે લાલીયાવાડી નહીં ચાલે!

સરકારના વિભાગો કે જેઓ કર્મચારીઓની રજાના માપદંડ નક્કી કરે છે, તેમને સતર્ક કરી નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના વિદેશમાં સ્થાયી થવાના સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા પછી આરોગ્ય વિભાગમાં પણ આવી લાલીયાવાડી ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું છે.

જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જતા હોવાના કિસ્સા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા છે. કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરીએ લાંબો સમય સુધી વિદેશમાં રહેતા હોવાના કિસ્સામાં નોટિસો ઈસ્યુ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં તો છેલ્લા કેટલાક વર્ષોથી આવી પ્રવૃત્તિ ચાલતી હતી. પરંતુ વિભાગને તેની મોર્ડેથી જાણ થઈ છે.

કર્મચારીઓની રજાના કારણોની તપાસ કરાશે 

સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર શિક્ષણ અને આરોગ્ય જ નહીં, સરકારના તમામ વિભાગો અને બોર્ડ-નિગમની કચેરીના કર્મચારીઓની રજાના કારણોની તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે તે વિભાગમાં ક્યા કર્મચારી કેટલા દિવસો કે મહિના ગેરહાજર છે તેનો રિપોર્ટ બનાવવા જણાવાયું છે. લાંબી રજા પર ઉતરેલા કર્મચારીઓ કે વિદેશમાં જવાના કિસ્સાની તપાસ કરી જવાબદારો સામે નોટિસ, બરતરફી અને શિક્ષાત્મક પગલાંની કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 15000 ઓપીડી, 2500થી વધુ ઓપરેશન રદ, ડોક્ટરોની હડતાળથી તબીબી વ્યવસ્થા 'બીમાર'


સામાન્ય રીતે કર્મચારીઓને હક્ક રજા ઉપરાંત અર્ધપગારી રજા, રૂપાંતરિત રજા, બિનજમા રજા, માંદગીની રજા, પ્રસૂતિની રજા, પિતૃત્વની રજા, પ્રાસંગિક, મરજિયાત અને વળતર રજા જેવા અનેક હેડ હેઠળ રજા આપવામાં આવતી હોય  છે. કોઈપણ કર્મચારીને વિદેશ જવું હોય તો તેના ડોક્યુમેન્ટ્સ અને રજાનો રિપોર્ટ આપવાનો હોય છે. પરંતુ કેટલાક વિભાગોમાં બેદરકારીના કારણે ડોક્યુમેન્ટ્સની તપાસ નહીં થતી હોવાથી કર્મચારીઓ વિદેશમાં સ્થાયી થઈ જતાં હોય છે.

રાજ્ય સરકાર હવે રજા મંજૂર કરવા સત્તાની વહેંચણી, રજાના નિયમોમાં પરિવર્તન, વિદેશ જવાના કિસ્સામાં વધુ તકેદારી તેમજ વિભાગના વડાની જવાબદારી ફિક્સ કરવા માગે છે. એટલું જ નહીં ગંભીર માંદગી કે લગ્નપ્રસંગ સહિતના અન્ય પ્રસંગોએ રજા લેતા કર્મચારીઓ પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. મહત્ત્વનું છે કે નાણાં વિભાગે ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2002માં જે આદેશ કર્યો છે તેમાં પણ નવી જોગવાઈનો ઉમેરો કરવામાં આવી શકે છે.

લાંબી રજાઓ ભોગવતાં 'સરકારી બાબુ' ચેતી જજો, તમામ વિભાગમાં તપાસ હાથ ધરવાની તૈયારી 2 - image


Google NewsGoogle News