પક્ષપલટુને આવકાર તો અમારો શું વાંક? ભાજપના નિવૃત્ત થઇ ગયેલા અનેક નેતાઓ 'કમબેક' માટે તલપાપડ
image : Socialmedia
- ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં પ્રથમ હરોળમાં બેસી લાઇમલાઇટમાં આવવા તરછોડાયેલા નેતાઓના ધમપછાડાં
અમદાવાદ,તા.31 જાન્યુઆરી 2024,મંગળવાર
લોકસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપે કમલમમાં ભરતી મેળો શરૂ કર્યો છે. લાલ જાજમ પાથરી પક્ષપલટુઓને આવકાર આપવામાં આવી રહ્યો છે ત્યારે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડનારાં અસ્વિકૃત નેતાઓ પણ કમબેક કરવા તલપાપડ બન્યા છે. પક્ષમાંથી જેમને સાઇટટ્રેક કરી ફરજિયાત નિવૃત કરી દેવાયા હતાં તે ભાજપના જૂના જોગીઓ એ પણ હવે કમલમ-સચિવાલયમાં દેખા દેવા માંડી છે. તરછોડાયેલાં નેતાઓનું કહેવુ છેકે, જો પક્ષપલટુઓને સ્વિકારો છો તો અમારો શું વાંક?
પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડનારાં અસ્વીકૃત નેતાઓએ અચાનક જ કમલમ્ અને સચિવાલયમાં દેખા દીધી
રાજ્યમાં વર્ષ 2002થી માંડીને અત્યાર સુધીમાં કોંગ્રેસના 80થી વધુ ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી ચુક્યા છે.એટલું જ નહીં, મૂળ કોંગ્રેસીઓએ ભાજપમાં એવો દબદબો ઉભો કર્યો છેકે, આજે કેબિનેટ મંત્રીથી માંડીને ભાજપમાં પ્રવક્તા સહિતના હોદ્દા પર કોંગ્રેસીઓ જ છે. લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાતમાં ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે. હાલ કમલમમાં વેલકમ પાર્ટી તો યોજાઇ રહી છે પણ તેની સાઇડ ઇફેક્ટ્સ એ થઇ છે કે, ખૂણો પકડીને બેસી ગયેલા ભાજપના નેતાઓ પણ હવે ચૂંટણીના પ્લેટફોર્મ પર ચમકવા તૈયાર થયા છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં રહીને ભ્રષ્ટાચાર આચરનારાને પીએમઓની સુચનાથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પક્ષના નામે ખાયકી કરનારાંને પણ તરછોડી દેવાયા હતાં. ખૂણામાં કેસરિયો ખેસ સંતાડીને બેસી રહેલાં નેતાઓ હવે કમબેક કરવાના ઇરાદે લાઇમલાઇટમાં આવવા માંડયા છે. આ અસ્વિકૃત નેતાઓનું કહેવુ છેકે, પાર્ટીના નેતાઓને આપણે દેખાઇશું તો ગમે ત્યારે આપણો પણ વારો આવશે. જો કોંગ્રેસના જનાધાર વિનાના નેતાઓને આવકાર આપવામાં આવી રહ્યો છે તો આપણે તો મૂળ ભાજપના જ છીએ.પાર્ટીના ખેસને સંતાડીને ફરતા કેટલાક નેતાઓ ટીપટોપ બની ફરી સંગઠન ઉપરાંત ચૂંટણીલક્ષી કામમાં રસ લઇ રહ્યાં છે તેવો દેખાડો કરી રહ્યા છે. પક્ષ અને સરકારમાં એક સમયે શક્તિશાળી ગણાતા નેતાઓ જે આજકાલ હાંસિયામાં મૂકાયા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન ખેંચાય તે માટે પક્ષના કાર્યક્રમમાં અગ્રહરોળમાં બેંસીને ધ્યાનાકર્ષક બની રહ્યા છે. અત્યાર સુધી પક્ષ કે સરકાર દ્વારા આમંત્રણ સુધ્ધા અપાતુ ન હતું તેવા નેતાઓ હવે કમબેક કરવા તલપાપડ બન્યા છે.