Get The App

ભાજપે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સહિત ચાર સાંસદોનો છેદ ઉડાડ્યો, નવા ચહેરા પર વિશ્વાસ!

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
ભાજપે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સહિત ચાર સાંસદોનો છેદ ઉડાડ્યો, નવા ચહેરા પર વિશ્વાસ! 1 - image


- ભાજપની બીજી યાદીમાં ગુજરાતના વધુ 7 ઉમેદવારો જાહેર

- રંજનબહેન ભટ્ટ, હસમુખ પટેલ રિપીટ : કુલ 22 ઉમેદવારો જાહેર 10 સાંસદોને ઘેર બેસાડયા, 12ને પુનઃ ટિકિટ અપાઇ        

અમદાવાદ,તા.14 માર્ચ 2024,મંગળવાર

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે ઉમેદવારોની પસંદગીનો દોર યથાવત્ રાખ્યો છે. બુધવારે મોડી સાંજે ભાજપ હાઇ કમાન્ડે બીજી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના વધુ સાત ઉમેદવારોના નામોની સત્તાવાર ઘોષણા કરી હતી. જો કે હાઇકમાન્ડે કેન્દ્રીય રેલ મંત્રી દર્શના દેશમુખથી માંડીને અન્ય પાંચ વર્તમાન સાંસદોની ટિકિટો કાપી હતી જયારે ચાર નવા ચહેરાની પસંદગી કરીને સૌના રાજકીય અનુમાનો ખોટા ઠેરવ્યા હતાં. સાત ઉમેદવારોના નામ જાહેર કરાયાં તેમાં બે મહિલાઓને પણ તક અપાઇ છે. ભાજપે ગુજરાતમાં કુલ મળીને 22 બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. હજુ ચારેક બેઠકો પર ઉમેદવારના નામો જાહેર કરવાના બાકી છે. 

ભીખાજી ઠાકોર, નિમુબહેન બાંભણિયા, જશુ રાઠવા, ધવલ પટેલને પસંદ કરી સૌને ખોટા ઠેરવ્યા 

સુરત બેઠક પર દાવેદારોની લાઇન હતી પણ હાઇકમાન્ડે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ ટર્મથી જીત મેળવાનારા કોર્પોરેટર અને સુરત શહેર ભાજપના જનરલ સેક્રેટરી મુકેશ દલાલને ટિકિટ આપી હતી. કેન્દ્રીય રેલ મંત્રી દર્શના જરદોશને ઘેર બેસાડી યુવા ચહેરાને તક અપાઇ છે. દર્શના જરદોશનુ પત્તું કપાતા સ્થાનિકોનું અનુમાન સાચું ઠર્યું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ ધારાસભ્ય હીરા સોલંકી ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નામ ચર્ચાતુ હતું પણ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર નિમુબેન બાંભણિયાની પસંદગી કરાઇ છે.આ બેઠક પર વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કપાઇ છે.

સાબરકાંઠા બેઠક  પર ભાજપ હાઇકમાન્ડે એવી પસંદગી કરી છેકે, સ્થાનિકો ચોંકી ઉઠયા છે. મેઘરજના સહકારી આગેવાન ઉપરાંત જીલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોરને લોકસભાની ચૂંટણી મેદાને ઉતારાયા છે. આ બેઠક પર પક્ષપલટુ સી.જે.ચાવડા મજબૂત દાવેદાર હતાં. સાથે સાથે અન્ય દાવેદારોએ પણ દાવેદારી નોંધાવી હતી.  અમદાવાદ પૂર્વમાં વર્તમાન સાંસદ હસમુખ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે . આ જોતાં આ બેઠક પર હસમુખ પટેલનો કોંગ્રેસના રોહન ગુપ્તા સાથે મુકાબલો થશે. વડોદરા બેઠક પર રંજન ભટ્ટ ઘણાં રાજકીય વિવાદના વમળમાં ફસાયેલા હતાં. આમ છતાંય હાઇકમાન્ડે રંજન ભટ્ટને રિપીટ કર્યા છે તે જોતાં સ્થાનિકોનું અનુમાન ખોટું ઠર્યું છે.  જયારે છોટા ઉદેપુર બેઠક પર વર્તમાન સાંસદ ગીતા રાઠવાની ટિકિટ કપાઇ છે તેમના સ્થાને જશુ રાઠવાને સાંસદ બનાવવાનુ ભાજપે નક્કી કર્યુ છે. ભાજપ એસટી મોરચાના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાને તક અપાઇ છે.

જ્યારે વલસાડ બેઠક પર વર્તમાન સાંસદ કે.સી. પટેલનું પત્તું કપાવવાનું લગભગ નક્કી હતું. આ બેઠક ધવલ પટેલને ટિકિટ મળી છે. નેશનલ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ ( એસટી મોરચો ) ધવલ પટેલને લોકસભા મોકલવા હાઇકમાન્ડેન નિર્ણય કર્યો છે. આમ, પાંચ વર્તમાન સાંસદોના પત્તા કપાયા છે. અત્યાર સુધીમાં ભાજપે કુલ મળીને ગુજરાતની 22 બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કર્યા છે જેમાં કુલ મળીને 10 સાંસદોને ઘેર બેસાડાયા છે, જ્યારે 12 સાંસદોને ફરી ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે.

વધુ સાત બેઠકો પર કોણ ઉમેદવાર

બેઠક          

ઉમેદવાર

સુરત  

મુકેશ દલાલ ( દર્શના જરદોશ કપાયા )

ભાવનગર        

નિમુબેન બાંભણિયા ( ભારતી શિયાળ કપાયા )

સાબરકાંઠા        

ભીખુજી ઠાકોર ( દીપસિંહ રાઠોડ કપાયા )

છોટા ઉદેપુર   

જશુભાઇ રાઠવા ( ગીતા રાઠવા કપાયા )

વલસાડ       

ધવલ પટેલ  ( કે.સી.પટેલ કપાયા )

વડોદરા

રંજન ભટ્ટ  ( રિપીટ કરાયા )

અમદાવાદ પૂર્વ

હસમુખ પટેલ ( રિપીટ કરાયા )


11 મહિના પહેલાં ભાજપમાંથી રાજીનામુ આપનારાં જશુ રાઠવાને ટિકિટ આપતા આશ્ચર્ય 

છોટા ઉદેપુર બેઠક પર વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવાનુ પત્તું કાપીને જશુ રાઠવાને ભાજપ હાઇકમાન્ડે ટિકિટ આપી છે. નવાઇની વાત એ છે કે,  11 મહિના પહેલાં જ જશુ રાઠવાએ  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામુ ધરી દીધું હતું. હવે આ જ જશુ રાઠવાની ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી કરતાં આશ્ચર્ય સર્જાયું છે. એટલું જ નહીં, વર્ષ 2007-08માં જશુ રાઠવા છોટા ઉદેપુર તાલુકા પંચાયતનીય ચૂંટણી 87 મતે હાર્યા હતાં. વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવાની સામે પણ જશુ રાઠવા 1100 મતોએ હાર્યા હતાં. તાલુકા પંચાયતથી માંડીને વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કર્યો હોવા છતાંય ભાજપ હાઇકમાન્ડે જશુ રાઠવાની પસંદગી કરતાં સ્થાનિક ભાજપના નેતા-કાર્યકરો અચંબામાં મૂકાયા છે. 



Google NewsGoogle News