Ahemedabad East Lok Sabha 2024 Result: અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ વિજયી, અહીં 1989થી સતત ભાજપની જીત
Loksabha Election 2024 Results: અમદાવાદ પૂર્વ બેઠકમાં હસમુખ પટેલ બહુમતી સાથે જીત્યા છે. તેમણે કોંગ્રેસના હિમંતસિંહ પટેલને 458949 મતોથી માત આપી છે. ગુજરાતે ભાજપનો ગઢ જાળવ્યો છે. ભાજપ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની 26 બેઠકોમાંથી 25માં બહુમતી સાથે જીત હાંસલ કરવામાં સફળ રહ્યો છે. જેમાં સુરતમાં તો ચૂંટણી લડ્યા વિના જ જીત મેળવી લીધી હતી. અમદાવાદ પૂર્વની આ બેઠક પરથી ભાજપ છેલ્લા 35 વર્ષથી જીતતો રહ્યો છે.
અમદાવાદ પશ્ચિમથી એકદમ અલગ અમદાવાદ પૂર્વ બેઠક
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ બેઠક વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દહેગામ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારને આવરી લે છે. અમદાવાદ પશ્રિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ પૂર્વ. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા વસે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા હીરાના વેપારીઓનો બહોળો વર્ગ છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી. અહીં તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે.
1989થી અમદાવાદની બેઠક પર ભાજપનો જ સતત વિજય
અમદાવાદ પશ્ચિમ બેઠક પર 1989થી ભાજપનો ઉદય થયો. 2009ના વર્ષ પહેલા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ મળીને એક જ બેઠક હતી. બીજી ગાંધીનગરની બેઠક હતી. 1989માં ભાજપમાંથી હરિન પાઠક અમદાવાદની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેઓ 2009 સુધીમાં કુલ 6 વખત થયેલી ચૂંટણીમાં સતત જીતતા આવ્યા હતા.
2009માં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ લોકસભાની બે બેઠકો થઈ હતી. પશ્ચિમની બેઠક એસસી માટે અનામત છે. આથી 2009ની અમદાવાદ પૂર્વની બેઠક પરથી હરિન પાઠક ચૂંટણી લડીને જીત્યા હતા. એ પહેલા આ બેઠક પરથી કોંગ્રેસે કુલ ચાર વખત ચૂંટણી જીતી હતી, જેમાં હરુભાઈ મહેતા, અહેસાન જાફરી, મગન બારોટ અને ઈન્દુલાલ યાજ્ઞિકનો સમાવેશ થાય છે. આ દરમિયાન 1984માં ભાજપના અશોક ભટ્ટ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા, પરંતુ 1989થી લઈને 2014 સુધી ભાજપ આ બેઠક પર ક્યારેય ચૂંટણી હાર્યો નથી.
ભાજપને સૌ પ્રથમવાર અમદાવાદ લોકસભામાં જીતાડનાર હરિન પાઠક
ભાજપને સૌ પ્રથમવાર અમદાવાદ લોકસભા બેઠક પર વિજય અપાવનાર એલ. કે. અડવાણીની નજીક મનાતા હરિન પાઠક છે. 1989માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે જીતેલા હરિન પાઠકે કોંગ્રેસના સુરેન્દ્ર રાજપૂતને 1,47,357 મતે હરાવીને વિજયી બન્યા હતા. 1989ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 પૈકી 12 બેઠકો જીતીને પોતાનો પાયો નાંખ્યો હતો. હરિન પાઠક 1989થી 2004 સુધીની સળંગ પાંચ લોકસભા ચૂંટણી જીતીને અમદાવાદ બેઠક પર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું. હરિન પાઠક ઓક્ટોબર 1999થી નવેમ્બર 2000 સુધી અટલ બિહારી વાજપેયીની ત્રીજી કેબિનેટમાં સંરક્ષણ ઉત્પાદન રાજ્ય મંત્રી હતા. એપ્રિલ 1985માં ગુજરાતમાં ક્વોટા વિરોધી આંદોલનને લઈને પાઠકને ગુજરાતના આરોગ્ય મંત્રી અશોક ભટ્ટ સાથે રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેઓ અમદાવાદ ખાતે નાલંદા વિદ્યાલયમાં અંગ્રેજી શિક્ષક હતા. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણાં વર્ષો સુધી કોર્પોરેટર રહ્યા. તે એવા પ્રખર રાજકારણીઓમાંના એક હતા જેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કર્યું હતું અને લોકસભામાં સીધા સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. આમ, 1989થી આ બેઠક પર હરિન પાઠક ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
અમદાવાદમાં ધર્મ-જાતિનું ગણિત
અમદાવાદની પૂર્વ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રિય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે. બાપુનગરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે, તો નિકોલ અને ઠક્કરબાપાનગરમાં ઉત્તર ભારતીય મતદારોનું વર્ચસ્વ છે. નરોડામાં સિંધી મતદારોની સંખ્યા વધુ છે. તેથી પરંપરાગત રીતે વિધાનસભાની આ બેઠક પર સિંધી ઉમેદવાર જ જીતે છે.
હિંદુ - 83%
મુસ્લિમ - 13.08%
જૈન - 2.5%
ખ્રિસ્તી - 0.72%