Get The App

Ahmedabad West Lok Sabha 2024 Result: અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણાની 2,86,437 મતથી જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
Ahmedabad West Lok Sabha 2024 Result: અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણાની 2,86,437 મતથી જીત 1 - image


Loksabha Election 2024 Results: અમદાવાદ પશ્ચિમમાંથી ભાજપના દિનેશ મકવાણાએ કોંગ્રેસના ભરત યોગેન્દ્ર મકવાણાને 286437 મતોથી હરાવ્યા છે. જે શરૂઆતના વલણથી જ લાખથી વધુ મતો સાથે આગળ ચાલી રહ્યા હતા. ભાજપના ગઢ ગણાતાં ગુજરાતમાંથી ભાજપે કુલ 25 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરે 33806 મતોની લીડ સાથે ભાજપની ઓલ ઓવર જીતની હેટ્રિકનો રેકોર્ડ બનતાં અટકાવ્યો છે.

અમદાવાદ પશ્ચિમ વર્ષ 2009માં આ બેઠક અસ્તિત્વમાં આવી

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક 2008ના નવા સીમાંકન બાદ રચાઈ છે અને આ બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી છે જે અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. આ બેઠક પરથી પ્રથમ ચૂંટણી વર્ષ 2009માં યોજાઈ હતી જેમાં ભાજપના ડૉ. કિરીટ સોલંકી વિજેતા બનીને સાંસદ બન્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં અહીં જોરદાર ટક્કર જોવા મળી હતી. ભાજપના ઉમેદવાર ડૉ કિરીટ સોલંકીનો છ લાખથી વધુ મત મેળવીને વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના રાજુ પરમારને હરાવ્યા હતા. રાજુ પરમારને 3 લાખથી વધુ મતો મળ્યા હતા. 

આ મતવિસ્તાર એક રાજકીય પાવરહાઉસ

અમદાવાદ પશ્ચિમ બેઠક ગુજરાતમાં લોકસભા મતવિસ્તારમાં એક રાજકીય પાવરહાઉસ છે અને રાજ્યના રાજકારણમાં ખુબ જ જાણીતી બેઠક છે. આ પશ્ચિમ બેઠકનો વિસ્તાર મોટાભાગે પૂર્વ અમદાવાદ આવે છે જેમાં અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, અસારવા અને દાણીલીમડાનો સમાવેશ થાય છે જ્યારે પશ્ચિમ અમદાવાદમાં ફક્ત એલિસબ્રિજ વિધાનસભા મતક્ષેત્ર સામેલ છે. આ બેઠક અંતર્ગત વિધાનસભાની બે અનામત બેઠકો આવે છે. સંપૂર્ણ શહેરી વિસ્તારના મતદારો ધરાવતી આ બેઠકમાં ગત ચૂંટણીમાં 60.37 ટકા જેટલું મતદાન થયું હતું. 

ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની રાજકીય સફર

દિનેશ મકવાણા સૌપ્રથમ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તો 54 વર્ષીય મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ ભાજપે પ્રથમ વખત ઉમેદવાર બદલ્યા છે. આ બેઠક અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી સુધી કિરીટ સોલંકી સાંસદ હતા.

અમદાવાદ પશ્ચિમ બેઠકમાં કુલ 17 લાખથી વધુ મતદારો

લોકસભાની અમદાવાદ પશ્ચિમ બેઠકમાંથી વિધાનસભાની બેઠક પ્રમાણે જોવામાં આવે તો અમરાઈવાડીમાંથી સૌથી વધુ 2.87 લાખ જ્યારે દરિયાપુરમાંથી સૌથી ઓછા 2.05 લાખ મતદારો છે. આ સિવાય અમદાવાદ પશ્ચિમમાંથી 8.82 લાખ પુરુષ 8.28 લાખ મહિલા અને 69 ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 17.11 લાખ મતદારો છે. જેની સરખામણીએ 2019ની લોકસભા ચૂંટણી વખતે 8.51 લાખ પુરુષ 7.91 લાખ મહિલા અને 25   ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 16.43 લાખ મતદારો હતા.

અમદાવાદમાં ધર્મ-જાતિનું ગણિત

અમદાવાદ પશ્ચિમ બેઠક પર જો જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર પટણી, ઠાકોર, વણિક, પ્રજાપતિ સમાજનું પ્રભુત્વ જોવા મળે છે તો ક્ષત્રિય-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત દલિત સમાજ અને મુસ્લિમ સમાજના 12 ટકા મતદારો છે. 

ધર્મટકાવારી
હિંદુ83.00%
મુસ્લિમ13.08%
જૈન2.50%
ખ્રિસ્તી0.72%

Google NewsGoogle News