Get The App

હવે નવા ચહેરાને તક, ગુજરાતમાં ભાજપના 20થી વધુ સાંસદોની વિદાય નક્કી

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
હવે નવા ચહેરાને તક, ગુજરાતમાં ભાજપના 20થી વધુ સાંસદોની વિદાય નક્કી 1 - image

image : Socialmedia

- વિવાદાસ્પદ જ નહીં, વયોવૃદ્ધ સાંસદોને ઘરભેગા કરાશે          

અમદાવાદ,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર

લોકસભાની ચૂંટણીમાં 400 થી વધુ બેઠકો જીતવાના  લક્ષ્યાંક સાથે ભાજપ આગળ ધપી રહ્યુ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતાં ભાજપની રાજકીય સ્થિતી વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી છે. ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પુરેપુરી શક્યતા છે.  તેમાં વિવાદાસ્પદ જ નહીં, 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. 

સિર્ફ મોદી નામ કાફી હૈ : હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને જીતાડવાના, ટિકિટનું લોબિંગ કરી શકાય તેવી સ્થિતિ ય નથી       

ગુજરાતમાં ભાજપે એક નવો રાજકીય પરિવર્તન પ્રયોગ હાથ ધર્યો છે. લોકસભાની ચૂંટણી હજુ જાહેર થઇ નથી. આ ઉપરાંત ભાજપે પણ ઉમેદવારની ઘોષણા કરી નથી તે પહેલાં ગુજરાતમાં 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાયા છે. ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખવામાં આવ્યો છે.   અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ એક માત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકીટ મળશે તે કળવુ મુશ્કેલ બન્યુ છે. ચર્ચા છેકે, ગુજરાતમાં વર્તમાન ભાજપના 20થી વધુ સાંસદોને પુનઃ ટિકીટ મળે તેવી શક્યતા નહીવત છે. 

આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડ નો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનુ મન બનાવ્યુ છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાફી હે આધારે જ ચૂંટણી લડાશે. આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. આ જોતાં દાવેદારો પણ ટિકિટનું લોબિંગ કરી શકવાની સ્થિતીમાં નથી. 

ગુજરાતમાં દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી,  શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. આ જોતાં બધાય સાંસદોની વિદાય લગભગ નક્કી છે.  મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે.આ ઉપરાંત નારણ કાછડિયા કથિત ધમકી આપવાના કિસ્સામાં વિવાદમાં ઘેરાયેલા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનુ નામ ડો.ચગની આત્મહત્યા પ્રકરણમાં ચગ્યુ હતુ. ભરત ડાભી અને મનસુખ વસાવા પક્ષવિરોધી નિવેદન કરી વિવાદમાં આવી ચૂક્યા છે.  ભારતી શિયાળને કેન્દ્રીય સંગઠનમાં ્સ્થાન મળ્યુ છે પરિણામે તેમને ય ટિકીટ મળી શકે તેમ નથી.  આમ, વિવાદાસ્પદ અને 65થી વધુ વયના સાંસદોને વિદાય આપવાનુ લગભગ નક્કી છે.

ભાવનગર બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડી શકે

આ વખતે ભાજપ હાઇકમાન્ડે રાજયસભા અને લોકસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યુ છે જેના ભાગરૂપે ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડે તેવી શક્યતા જોવાઇ રહી છે. એવી ય ચર્ચા છેકે, મનસુખ માંડવિયાએ તો અત્યારથી ભાવનગર મત વિસ્તારમાં મતદારો સાથે સંપર્ક પણ શરૃ કર્યો છે.

ભાજપના ઘણાં સાંસદ સામે ચાલી ચૂંટણી લડવાનો ઇન્કાર કરશે

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. તેમણે ખુદ એ વાત કહીકે, મારી ઉંમર થઇ. હવે યુવા,નવા ચહેરાને તક મળવી જોઇએ. 26 સાંસદો પૈકી શારદાબેને ચૂંટણી મેદાનેથી હટી જવા નક્કી કર્યુ છે. હવે ભાજપના એક પછી એક વયોવૃધ્ધ સાંસદ સામે ચાલીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરશે. વર્તમાન સાંસદો પૈકી ઘણાં સાંસદોને ભાજપ હાઇકમાન્ડ ના પાડે તેના કરતાં સામે ચાલીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરશે. 

કયા વર્તમાન સાંસદનું પત્તું કપાઇ શકે છે

દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી,  શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા, દેવુસિંહ ચૌહાણ, ડો.મહેન્દ્ર મુજપરા, વિનોદ ચાવડા, રમેશ ધડુક, મોહન કુંડારિયા, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, મિતેષ પટેલ, હસમુખ પટેલ, કે.સી.પટેલ


Google NewsGoogle News