'ક્ષત્રિય સમાજ માફી આપનારો સમાજ..' રૂપાલાના સમર્થનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉતર્યા મેદાને
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024માં રાજકોટની બેઠક ભાજપ માટે જાણે માથાનો દુઃખાવો બની ગઈ છે તેમ અહીંના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા માટે તેણે વારંવાર બચાવ કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદથી ભાજપ તેમના માટે ડેમેજ કન્ટ્રોલની સ્થિતિમાં છે. જ્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ વતી રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઊતરી આવ્યા છે.
શું બોલ્યાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી?
રૂપાલા વિવાદ અંગે ટિપ્પણી કરતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ હંમેશાથી માફી આપનારો સમાજ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ બે વખત માફી માગી છે. મારું એવું માનવું છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખી રૂપાલાને ચોક્કસ માફ કરશે.
ધાનાણી વિશે પણ કહી આ વાત
આ દરમિયાન વિવાદ વચ્ચે રૂપાણીએ એમ પણ કહ્યું કે રાજકોટથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે ધાનાણીને મારે એટલું જ કહેવું છે કે જો આ વિવાદ થકી તેઓ લાભ ખાટવા માગતા હોય તો ઊઠાવી લે પરંતુ મારા શબ્દો યાદ રાખજો, તે ખરાબ રીતે હારશે. ભાજપને ગુજરાતમાં ફરી 26 બેઠકો મળશે.