રૂપાલા સામે વધુ એક ફરિયાદથી ભાજપ માટે કપરાં ચઢાણ, માફી માગી છતાં ક્ષત્રિયોનો વિરોધ યથાવત્
Lok Sabha Elections 2024: ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના અનુચિત ઉચ્ચારણોથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા આક્રોશના પગલે ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત્ જારી રાખ્યો છે.
ગોંડલમાં રૂપાલાએ પણ હાજરી આપી હતી અને મંચ પરથી ફરી વાર માફી માંગી હતી અને જયરાજસિંહે અહીંઆ વિવાદનો અંત આવે છે તેવું જાહેર કર્યું હતુ. તો બીજી તરફ, ગોંડલમાં જ આ સમાધાન પ્રયાસના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ ત્યાં પહોંચ્યા હતા અને ૮ મહિલાઓની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાયા હતા જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ અંગે રાજકોટના નયનાબા જાડેજા, રાજદિપસિંહ વગેરે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે માત્ર ભાજપના નેતાઓ ભેગા થઈને સમાધાન કરે તે સમાધાન નથી, રૂપાલા સામે વિરોધ સમગ્ર ક્ષત્રિય સમાજનો છે અને તેના ૯૦ સંગઠનોના હોદ્દેદારોએ ભેગા થઈને ટિકીટ રદ કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો છે.
એક તરફ સમાધાનની બેઠક ચાલુ હતી બીજી તરફ ગઈકાલે રાજકોટ કોર્ટમાં રૂપાલા સામે ફરિયાદ નોંધાવાયા બાદ આજે ગઢડા જ્યુ.મેજિ.ની કોર્ટમાં નં. ૧૨- ૨૪થી પરસોતમ રૂપાલા સામે જયવંતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંતસોશ્યલ મિડીયામાં ખાસ્કરીને અનેક ક્ષત્રિય મહિલાઓના ઓડિયો વાયરલ થયા છે જેમાં સમાધાન સ્વીકારાયું નથી.