Get The App

હું તમારું વીજળી-પેટ્રોલનું બિલ ઝીરો કરી દઈશ, આ વાતો હવામાં નથી, અમારી પાસે યોજના છે: PM મોદી

Updated: May 1st, 2024


Google NewsGoogle News
હું તમારું વીજળી-પેટ્રોલનું બિલ ઝીરો કરી દઈશ, આ વાતો હવામાં નથી, અમારી પાસે યોજના છે: PM મોદી 1 - image


PM Modi In Himmatnagar : લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેમણે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુજરાત ચૂંટણી માટે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા બાદ હિંમતનગરમાં જાહેરસભા સંબોધી. હિંમતનગરમાં તેમણે ભારત માતાની જયના નારા સાથે સંબોધન શરૂ કર્યું.

વિશ્વ મને વડાપ્રધાન તરીકે ઓળખે છે પણ હું દેશનો સેવક છું 

સાબરકાંઠાની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારો સાબરકાંઠા સાથે ઘણો જૂનો સંબંધ છે. સાબરકાંઠામાં પેઢીઓ બદલાઈ ગઈ, છતાં તેમનો મારા પ્રત્યેનો પ્રેમ હજુ પણ એમનો એમ છે. તમારા આશીર્વાદના કારણે મને તમારા પર ખૂબ ભરોસો છે. કદાચ વિશ્વના લોકો મને વડાપ્રધાન તરીકે ઓળખતા હશે, પરંતુ દેશ માટે હું માત્ર સેવક છું. હું દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળ્યો છું. હું અહીં અનેકવાર આવ્યો છું, પણ હું આજે તમારી પાસે કંઈ માંગવા માટે આવ્યો છે. જ્યારે સરકારી કાર્યક્રમો હોય છે, ત્યારે હું યોજનાઓ, શિલાન્યાસ, ઉદઘાટન કરવા આવતો હોઉ છું, પરંતુ આજે હું તમારી પાસે માંગવા આવ્યો છું. દેશ ચલાવવા મને સાબરકાંઠા પણ જોઈએ અને મહેસાણા પણ જોઈએ. મને ખાતરી છે કે, તમે બધા સાતમી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો

અમારી પાસે વીજળી-પેટ્રોલ બિલ ઝીરો કરવાની યોજના છે

વડાપ્રધાન મોદીએ વીજળી અને પેટ્રોલના ખર્ચ અંગે વાત કરતા કહ્યું કે, ‘મારે બીજું પણ એક કામ કરવું છે. મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે. મારે તમારું પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે. તમને થશે કે, આ શું થયું છે આજે સાહેબને. પણ આ વાતો હવામાં નથી સાહેબ. આપણી પાસે યોજના છે. આપણે પીએમ સૂર્ય ઘર યોજના નક્કી કરી છે અને આ યોજના અંતર્ગત સરકાર 50, 60 કે 70 હજાર જેટલી જરૂર હોય એટલી રકમ આપે છે. તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને જે વીજળી પેદા કરો. તમારે જોઈએ તે તમે વાપરો અને વધારાની વીજળી સરકાર ખરીદશે. એમાંથી તમે કમાણી કરો. આજે તમે વીજળીનું બિલ ભરો છો. મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. હવે જમાનો ઈલેક્ટ્રિક વ્હિકલનો આવવાનો છે. એટલે તમારી પાસે સ્કૂટર હોય કે કાર, તમારે 100-200નું પેટ્રોલ ભરાવવું પડશે. એટલે તમારા ઘરે વીજળી હોય તો તમારું વાહન રાત્રે ચાર્જ થઈ જશે. સવારે નીકળી પડો તો પણ તમને એક રૂપિયાનો પણ પેટ્રોલનો ખર્ચ નહીં. જો આવું થાય તો દેશના મધ્યમ વર્ગનું જીવન કેટલું બદલાઈ જશે. એ પૈસા તે પરિવારના કલ્યાણ માટે અને સપનાં પૂરા કરવા વાપરી શકશે.’

આગ દેશમાં નહીં, પરંતુ કોંગ્રેસના દિલમાં લાગી છે

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસના લોકો દેશની પ્રજાને ડરાવતા હતા, તેઓ કહેતા કે રામ મંદિરનું નિર્માણ થશે તો આગ લાગી જશે, પરંતુ ભગવાન રામલલ્લાનું મંદિર શાનથી નિર્માણ થયું અને પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પણ થઈ અને ક્યાંક કોઈપણ લાગી નહી, ક્યાં વિવાદ થયો નહીં. કોંગ્રેસ મતો મેળવવા માટે લોકોને ડરાવતી રહે છે. આ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આગ દેશમાં નહીં, પરંતુ કોંગ્રેસના દિલમાં લાગી છે, જેને કોઈપણ બુઝાવી નહીં શકે.

વડાપ્રધાને આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

વડાપ્રધાને આતંકવાદ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે, આજથી 10 વર્ષ પહેલા આપણો દેશ આતંકવાદની આગમાં સળગી રહ્યો હતો. તે સમયે કોંગ્રેસને જાણ હતી કે, પાડોશી દેશ આતંકવાદીઓને એક્સપોર્ટ કરે છે, જોકે તે સમયે કોંગ્રેસ સરકાર એટલી નબળી હતી કે, ડોઝિયર મોકલતી હતી અને પાકિસ્તાનને કહેતી હતી કે, અમારા પર બોંબ કેમ ફેંકો છો. જોકે આજનું ભારત આતંકવાદીઓને ડોઝિયર નહીં, પરંતુ ડોઝથી જવાબ આપે છે, આજનું ભારત આતંવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે.

વડાપ્રધાન મોદીએ ડીસાની જનસભામાં આ વાત કરી

વડાપ્રધાન મોદીએ હિંમતનગરમાં ચૂંટણી રેલી સંબોધી તે પહેલા ડીસાની જનસભમાં મા અંબાના જયકારથી સંબોધન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચાવાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. ચૂંટણીમાં તેઓ મારી મજાક ઉડાવતા હતા પરંતુ જનતાએ એવો જવાબ આપ્યો કે, તેઓ એક સમયે 400 બેઠકો જીતતા હતા, જે હવે 40 પર આવી ગઈ છે. 2019ની ચૂંટણીમાં પણ તેઓ કંઈપણ શીખ્યા નહીં અને ચોકીદાર ચોર છે, મોદી ખૂનની દલાલી કરે છે, રાફેલના રમકડાં લઇને ચૂંટણી સભાઓમાં બોલતા હતા. જનતાએ પણ તેનો જવાબ આપી ફરી એવી સ્થિતિ બનાવી કે તેઓ વિપક્ષ પણ બની શક્યા નહીં.

વડાપ્રધાન મોદીની ડીસામાં યોજાયેલી જનસભાનો સંપૂર્ણ અહેવાલ નીચેની લિંક પર...

વડાપ્રધાને ડીસાની જનસભામાં ‘ચા વાળો, ચોકીદાર, અનામત’ સહિતના મુદ્દાઓ ગજવી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

વડાપ્રધાનનો 14 લોકસભા અને 70 વિધાનસભા આવરી લેતો ચૂંટણી પ્રચાર

આ પહેલા અમદાવાદ એરપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન રાજ્યની 25 લોકસભા બેઠકો માટે બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ માટેની જાહેરસભાઓ કરશે. સુરતની બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ પહેલા વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. 

હવે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ક્યાં ચૂંટણી રેલી કરશે?

  • 1લી મે - સાંજે 4.45 કલાકે - હિંમતનગર, લોકસભા વિસ્તાર: સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ પૂર્વ
  • 2જી મે - સવારે 10.00 કલાકે - આણંદ, લોકસભા વિસ્તાર: આણંદ, ખેડા
  • 2જી મે - બપોરે 12.00 કલાકે - વઢવાણ, લોકસભા વિસ્તાર: સુરેન્દ્રનગર, રાજકોટ,ભાવનગર
  • 2જી મે - બપોરે 2.15 કલાકે - જૂનાગઢ, લોકસભા વિસ્તાર: જૂનાગઢ, પોરબંદર, અમરેલી
  • 2જી મે - સાંજે 4.15 કલાકે - જામનગર, લોકસભા વિસ્તાર: જામનગર, પોરબંદર

રાત્રિ દરમિયાન ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક

ચૂંટણી આચાર સંહિતાના કારણે તેમનું રાત્રિરોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં રખાયું છે. આ દરમિયાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરશે, તેવું માનવામાં આવે છે. 

અગાઉ વડાપ્રધાન 22મીએ રાજકોટ આવવાના હતા

અગાઉ નક્કી થયા મુજબ વડાપ્રધાન 22મી એપ્રિલે રાજકોટથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા, પરંતુ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના સામે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ના વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા માટે ફરી છઠ્ઠી મેએ રાત્રિએ ગુજરાત આવશે.


Google NewsGoogle News