‘કોંગ્રેસ જીતી તો તમારી પાસે બે ભેંસ હશે તો એક સરકાર લઈ જશે’, ડીસાની ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીના પ્રહાર

Updated: May 1st, 2024


Google NewsGoogle News
‘કોંગ્રેસ જીતી તો તમારી પાસે બે ભેંસ હશે તો એક સરકાર લઈ જશે’, ડીસાની ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીના પ્રહાર 1 - image


Gujarat Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. આજે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું.

જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી અનામત ખતમ નહીં થાય 

તેમણે કહ્યું કે, હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં તેમને એક પણ બેઠક મળવાની શક્યતા દેખાતી નથી, જુઓ તેમની આવી સ્થિતિ છે. તેમણે અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું કે, અમે આવું પાપ કરવા માટે જન્મ્યા નથી. આવા પાપના માર્ગે જવાનું અમારું કામ નથી. કોંગ્રેસ પાર્ટી... તમે કાન ખોલીને સાંભળી લો કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી ક્યારે ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉ. હું કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે, જો તેમના (કોંગ્રેસ)માં હિંમત હોય તો તેઓ બોલે કે, ધર્મના આધારે ક્યારેય અનામતનો દુરુપયોગ નહીં કરીએ, બંધારણમાં ફેરફાર નહીં કરીએ, ધર્મના આધારે કોઈને અનામત નહીં આપીએ. હિંમત હોય તો કોંગ્રેસ આવી જાહેરાત કરે, પરંતુ તેઓ આવું ક્યારેય નહીં કરે, કારણ કે દાળમાં કંઈક કાળું છે.

અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો

ચૂંટણી સભામાં ગુજરાતની વાત કરતા તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.

કોંગ્રેસ જીતી તો તમારી બેમાંથી એક ભેંસ સરકાર લઈ જશે

માનો કે તમારી પાસે 10 એકરનું ખેતર છે અને તમે છોકરાને ખેતર આપીને જવા માંગો છો, તો પાંચ એકર સરકારમાં ગયા અને તમારી પાસે પાંચ એક રહી. આવો કાયદો લાવશે કોંગ્રેસ. જો તમારી પાસે બે ભેંસ હશે, તો એક સરકાર લઈ જશે. આવું કોંગ્રેસ કાયદેસર લાવવાની છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં આવું લખ્યું છે. બોલો, આ હિંમત તેમની. હવે આપણે દેશના નાગરિકોને આ વાત સમજાવવી જોઈએ કે ના સમજાવવી જોઈએ?  

મને ચા વાળો, દાળભાત ખાનારો કહ્યો પણ પ્રજાએ જવાબ આપ્યો

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચા વાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. ચૂંટણીમાં તેઓ મારી મજાક ઉડાવતા હતા પરંતુ જનતાએ એવો જવાબ આપ્યો કે, તેઓ એક સમયે 400 બેઠકો જીતતા હતા, જે હવે 40 પર આવી ગઈ છે. 2019ની ચૂંટણીમાં પણ તેઓ કંઈપણ શીખ્યા નહીં અને ચોકીદાર ચોર છે, મોદી ખૂનની દલાલી કરે છે, રાફેલના રમકડાં લઇને ચૂંટણી સભાઓમાં બોલતા હતા. જનતાએ પણ તેનો જવાબ આપી ફરી એવી સ્થિતિ બનાવી કે તેઓ વિપક્ષ પણ બની શક્યા નહીં.

હું ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવીને રહીશ

અર્થતંત્ર મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમામ લોકો 2019માં માનતા હતા કે બીજી વખત સરકાર નહીં આવે, પરંતુ તમે મને બીજી વખત તક આપી અને હું ફરી દેશની સેવામાં લાગી ગયો. વર્ષ 2024ની ચૂંટણીમાં હું મારા 20-25 વર્ષના અનુભવ લઇને આવ્યો છું. મેં દેશની 10 વર્ષ સેવા કરી છે. મેં દેશના સામાર્થ્યને જાણ્યું છે. હું તે સામર્થ્યનો પૂજારી બની ગયો છું અને આ જ કારણે હું ગેરન્ટી લઇને આવ્યો છું. ગેરન્ટી આપવા માટે હિંમત જોઇએ. મારી ગેરન્ટી છે. આવનારી મારી ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવીને રહીશ.

અમારી સરકારનો 100 દિવસનો પ્લાન અત્યારથી જ તૈયાર છે

આગામી સરકાર રચવા અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014 પહેલા ભ્રષ્ટાચારના જ સમાચાર મળતા હતા અને દેશ નિરાશામાં ડૂબેલો હતો, પરંતુ અમે દેશ માટે મહેનત કરવામાં કોઈ કચાશ છોડી નથી. આમ છતાં 2019માં અમારી સરકાર ન બને તે માટે તમામ પ્રયાસો કરાયા. અમારી સરકારનો 100 દિવસનો પ્લાન તો અત્યારથી જ તૈયાર છે.

વડાપ્રધાનનો 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ચૂંટણી પ્રચાર

આ પહેલા અમદાવાદ એરપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન રાજ્યની 25 લોકસભા બેઠકો માટે બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ માટેની જાહેરસભાઓ કરશે. સુરતની બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ પહેલા વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. 

હવે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ક્યાં ચૂંટણી રેલી કરશે?

  • 1લી મે - સાંજે 4.45 કલાકે - હિંમતનગર, લોકસભા વિસ્તાર: સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ પૂર્વ
  • 2જી મે - સવારે 10.00 કલાકે - આણંદ, લોકસભા વિસ્તાર: આણંદ, ખેડા
  • 2જી મે - બપોરે 12.00 કલાકે - વઢવાણ, લોકસભા વિસ્તાર: સુરેન્દ્રનગર, રાજકોટ,ભાવનગર
  • 2જી મે - બપોરે 2.15 કલાકે - જૂનાગઢ, લોકસભા વિસ્તાર: જૂનાગઢ, પોરબંદર, અમરેલી
  • 2જી મે - સાંજે 4.15 કલાકે - જામનગર, લોકસભા વિસ્તાર: જામનગર, પોરબંદર

રાત્રિ દરમિયાન ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક

ચૂંટણી આચાર સંહિતાના કારણે તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રખાયું છે. આ દરમિયાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરશે, તેવું માનવામાં આવે છે. 

અગાઉ વડાપ્રધાન 22મીએ રાજકોટ આવવાના હતા

અગાઉ નક્કી થયા મુજબ વડાપ્રધાન 22મી એપ્રિલે રાજકોટથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા, પરંતુ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલ (Parshottam Rupala)ના સામે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ના વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન ગુજરાતના મતદાર હોવાથી તેઓ મતદાન કરવા માટે ફરી છઠ્ઠી મેએ રાત્રિએ ગુજરાત આવશે.


Google NewsGoogle News