વિરોધ છતાં ભાજપ રૂપાલાની પડખે, 9મીએ કમલમ પર 'હલ્લાબોલ' કરવાની કરણી સેનાની જાહેરાત
Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીમાં પ્રચાર સમયે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી કરતા ભાજપ બરોબરનું ભેરવાયુ છે. જોકે, ક્ષત્રિયોના ચારેકોર વિરોધ વચ્ચે પણ ભાજપ હજુય રૂપાલાના પડખે રહ્યુ છે પરિણામે વિવાદ વધુ વકર્યો છે. હવે કરણીસેનાએ એલાન કર્યુ છેકે, તા. ૯મી એપ્રિલે બપોરે બે વાગે કમલમનો ઘેરાવ કરવામાં આવશે. એટલુ જ નહીં, અપીલ કરવામાં આવી છેકે, આખાય રાજ્યભરમાંથી ક્ષત્રિયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ પહોચે. આ એલાનને પગલે કોબાસ્થિત કમલમેની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી હોવા છતાંય ક્ષત્રિયો કોઇ વાત સ્વિકારવા તૈયાર નથી. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો હજુ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણોસર ભાજપની પ્રદેશ નેતાગીરીની ચિંતા વધી છે. દરમિયાન, કરણીસેના ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવતે ચિમકી ઉચ્ચારી છે કે, માન સન્માન ખાતર ક્ષત્રિયોએ ઈતિહાસ રચ્યા છે. હવે સમય આવી ચૂક્યો છે. સતત વિરોધ પ્રદર્શન છતાંય ભાજપ હજુ સુધી રૂપાલાને હટાવવાનો નિર્ણય લઈ શકી નથી.
આ તા,૯મીએ બપોરે ૨ વાગે ક્ષત્રિયો કમલમનો ઘેરાવ કરશે. ક્ષત્રિયોને અપીલ કરવામાં આવી છે કે, ક્ષત્રિયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ પહોચે. જેને જે સમજવુ હોય તે સમજે. આ વિરોધ હવે માન સન્માનની લડાઈમાં પરિવર્તિત થયો છે. હવે ભાજપ મુખ્યાલય કમલમ જાણે કરણી સેનાના નિશાના પર છે. કરણીસેનાએ ચિમકી ઉચ્ચારતાં જ પોલીસ સતર્ક બની છે. કમલમની સુરક્ષા વધારાઈ છે. સશસ્ત્ર પોલીસ કાફલો ખડકી દેવાયો છે. કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે કમલમની મુલાકાતે આવનારા પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ફાયરની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે.
ઉલ્લેખનીય છેકે, ગઈકાલે ક્ષત્રાણીઓની મુલાકાતે જતાં કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત જોહર કરવાની ચિમકી ઉચ્ચારતા પાંચ ક્ષત્રાણીને પણ બોપલ સ્થિત એક બંગલામાં પોલીસે નજરકેદ કરવી પડી હતી. આમ, લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે જ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ શાંત પડતો નથી જે પ્રદેશ-હાઈકમાન્ડ માટે ચિંતાના વિષય બન્યો છે.