ચૂંટણી પરિણામ પહેલા પક્ષમાંથી વિભિષણોને શોધવાની ભાજપની કવાયત, આ બેઠકો શંકાના દાયરામાં
Lok Sabha Elections 2024: ગુજરાતની 25 લોકસભા બેઠક પર સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. જેનું પરિણામ ચોથી જુને આવશે. આ ચૂંટણીમાં જે પરિણામ આવવા હોય તે આવે પરંતુ ભાજપમાં જેમણે નિષ્ક્રિય રહીને પક્ષના ઉમેદવારોને નડવાનું કામ કર્યું છે. તેવા લોકોને શોધીને પાઠ ભણાવવાનો હાઈકમાન્ડથી આદેશ મળતા પક્ષની અંદર રહેલા વિભિષણોને શોધવાની જવાબદારી વહેંચવામાં આવી છે.
આ બેઠકો શંકાના દાયરામાં
ખારા કરીને રાજકોટ, અમરેલી, વડોદરા, સાબરકાંઠા, ભાવનગર, જામનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગરની બેઠકમાં પાર્ટીના હાઈકમાન્ડને શંકા છે કે સત્તાવાર ઉમેદવારો સાથે અનેક ષડયંત્રો થયાં છે. ભાજપે જે વર્તમાન સાંસદોને ટિકિટ આપી નથી તેમની પર પણ શંકાની સોય તકાયેલી છે, જેમાં અમરેલી અને સાબરકાંઠાની બેઠક મુખ્ય છે. પ્રાથમિક અહેવાલો વચ્ચે આ કામ સરકાર અને સંગઠનને અલગ રીતે અપાયું છે. જેમાં સરકારે સ્થાનિક પોલીસ અને આઈબીનો સહારો લીધો છે. જ્યારે સંગઠને ફેક્ટ ફાઈન્ડિંગના કેટલાક નેતાઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારોને આ કામગીરી સોંપી છે.
ભાજપમાં આંતરિક વિખવાદ!
ગુજરાતમાં લોકસભાના મતદાન પૂરું થયા બાદ હવે ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહી છે. અમરેલી બેઠક આ વખતે ભાજપમાં બહુચર્ચિત બની છે. પડતા મુકાયેલા સાંસદ નારણ કાછડિયાએ નવા ઉમેદવાર ભરત સુતરિયા સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો છે. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે પાર્ટીના મેન્ટેડ વિરુદ્ધ ચૂંટણી લડનારા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી. આ ઉપરાંત જ્યારે ભાજપે ઉમેદાવારો જાહેર કર્યા હતા, ત્યારે પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડોદરા લોકસભા બેઠક ભારે ચર્ચામાં રહી હતી. જ્યા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત કરી હતી. 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડો.હેમાંગ જોષીના નામથી સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. જો કે, સાવલી વિધાનસભા ભાજપના ગ્રૂપમાં સભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. સમર્થકોએ જાહેરમાં ઉમેદવાર ડૉ. હેમાંગ જોષીનો વિરોધ વ્યક્ત કર્યો હતો.