ભાજપ નેતાના પુત્ર દ્વારા બૂથ કેપ્ચરિંગ બાદ ગુજરાતની આ બેઠક પર ફરી મતદાન શરૂ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Lok Sabha Elections 2024 | દાહોદના સંતરામપુરમાં એક બુથ પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વીડિયો કરતા હોબાળો મચી ગયો હતો. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે ચૂંટણી પંચે આ બેઠક પર આજે ફરી મતદાન યોજ્યું છે જેની શરૂઆત પણ થઇ ચૂકી છે.
મશીન-બશીન આપણા બાપનું જ : વિજય ભાભોર
દાહોદના સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-220 પર ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અધિકારીઓને ધમકાવીને બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. વિજય ભાભોર વીડિયોમાં કહી રહ્યો હતો કે '5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.' આ પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદમાં 58.66 ટકા મતદાન નોંધાયું હતું
નોંધનીય છે કે, વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. આ વીડિયો જ્યારથી વાયરલ થયો હતો ત્યારથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે અહીં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. હવે આ બેઠક આજે એટલે કે 11મી મેએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ થઇ ગયું છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દાહોદ બેઠક પર ભાજપે જશવંતસિહ ભાભોરને જ્યારે કોંગ્રેસે ડૉ. પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર મંગળવારે દાહોદમાં 58.66 ટકા મતદાન નોંધાયું હતું.