ગુજરાતમાં પક્ષ ખાતર પરસેવો પાડનારાને ભાજપનો 'ઠેંગો', 11 મૂળ કોંગ્રેસી પક્ષપલટુઓનો દબદબો!
લોકસભા, વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી, દેશભરમાં 150થી વધુ પક્ષપલટુઓને ચૂંટણી મેદાને ઉતાર્યાની ચર્ચા
ભાજપ માટે જાત ઘસનારા ચૂંટણીમાં પોસ્ટર લગાડી પ્રચાર કરશે, પક્ષપલટુઓ સાંસદ-ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે
image : IANS |
Lok Sabha Elections 2024 | મતદારો સાથે નહી, પણ સત્તા સાથે રહેવું એ ચૂંટાયેલા જનપ્રતિનિધીઓન મુખ્ય હેતુ રહ્યો છે તે જોતાં વિપક્ષના ધારાસભ્યો પક્ષની વંડી ઠેકવામાં જરાય ખચકાટ અનુભવતા નથી. બીજી તરફ, સત્તાપક્ષ ભાજપે પણ કોંગ્રેસીઓ માટે જાણે લાલજાજમ પાથરી છે. ભાજપમાં પક્ષપલટોઓનો એટલો દબદબો રહ્યો છે કે, પક્ષ માટે જાત ઘસનારાં શોધતા ય જડતા નથી. કમલમ જાણે પક્ષપલટુઓથી ઉભરાયુ છે. આ વખતે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ મળીને 11 કોંગ્રેસી ગૌત્રના લોકોને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
મહત્વની વાત એ છે કે, વર્ષોથી ચૂંટણી લડવા ઈચ્છુક મૂળ ભાજપના નેતા- કાર્યકરોની ચૂંટણી લડવાની ઈચ્છા અધુરી રહી છે ત્યારે ગઈકાલે આવેલાં પક્ષપલટુઓ ભાજપે ટિકિટ આપી રાજકીય ઈનામ ધર્યું છે. આમ, ઘરનો છોકરાં ઘંટી ચાટેને... એવો ઘાટ સર્જાયો છે.ભાજપનેતાગીરીની આ નીતિને કારણે આંતરિક અસંતોષની આગ ભભૂકી ઉઠી છે.
ભાજપ હાઈકમાન્ડે લોકસભાના ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે. સાથે સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કર્યા છે. ૩૧ બેઠકો પૈકી ૧૧ બેઠકો પર પક્ષપલટુઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાના ઉમેદવારની વાત કરીએ તો, બારડોલી બેઠક પર પ્રભુ વસાવા, જામનગરમાં પૂનમ માડમ, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, કચ્છમાં વિનોદ ચાવડાનુ મૂળગોત્ર કોંગ્રેસ છે. આ પ્રમાણે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, ચિરાગ પટેલ અને અરવિંદ લાડાણી પણ કોંગ્રેસી છે.
લોકસભા-પેટાચૂંટણી જીતવા ભાજપ હાઈકમાન્ડ પક્ષપલટુઓને સહારો લેવો પડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં મૂળ કોંગ્રેસીઓને ઘર ભેગા કરીને અન્યને તક અપાશે તેવુ અનુમાન ખોટું પડ્યું હતું જેથી ઘણાં મૂળ ભાજપના નેતાઓના સાંસદ બનવાના અરમાન અધૂરાં રહી ગયા હતા. ભાજપ નેતા- કાર્યકરોના કર્મની કઠણાઈ જુઓ, ગઈકાલ સુધી જેમણે ભાજપને ગાળો ભાંડી એમને ખભે બેસાડી મતદારો સમક્ષ મત માગવા જવું પડશે. એટલું જ નહીં પક્ષપલટુઓનો ભાજપમાં દબદબો વધ્યો છે કેમ કે ભાજપ માટે જાત ઘસનારા અને પક્ષ માટે પરસેવો પાડનારા હાલ હાંસિયામાં મૂકાયા છે. આખા ભારતમાં ભાજપે 150થી વધુ પક્ષપલટુઓને ટિકિટ આપી છે.
પક્ષપલટુઓને ટિકિટ અપાતાં ભાજપના બે સાંસદોએ ઘરે બેસવુ પડ્યું
પક્ષપલટુઓનો ભાજપમાં વટ પડ્યો છે. રાજકીય સોદા પાર પાડી પક્ષપલટુઓ ધાર્યુ કરી રહ્યા છે જેના કારણે ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને ઠેંગો દેખાડી દેવાયો છે. આ વખતે લોકસભાની ત્રણ બેઠકો પર પક્ષપલટુને ટિકિટ અપાઈ છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, સાબરકાંઠામાં શોભના બારૈયાને ટિકિટ અપાઈ છે જેના કારણે ભાજપના કેન્દ્રિય મંત્રીડી મહેન્દ્ર મૂંજપરા, દિપસિંહ રાઠોડને ઘેર બેસવુ પડ્યુ છે.
પક્ષપલટુ સી.જે.ચાવડાને ટિકિટ : ભાજપમાં રાજીનામા
પક્ષપલટુઓને ભાજપમાં ટિકિટ અને હોદ્દાની લ્હાણી કરવામાં આવી રહી છે જેથી આંતરિક રોષ ચરમસિમાએ છે. વિજાપુર બેઠક પર પક્ષપલટુ ધારાસભ્ય સી.જે.ચાવડાને ટિકિટ અપાઈ છે જેના કારણે ભાજપના સ્થાનિક નેતાઓ નારાજ થયા છે. વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પટેલે રાજીનામુ ધરી રોષ ઠાલવ્યો કે, જે પક્ષપલટુ-આયાતીને ટિકિટ અપાશે તો મૂળ ભાજપની વિચારધારાના કાર્યકરોના ભવિષ્યનું શું? મે આઠ વાર ટિકિટ માંગી તો પક્ષ તરફથી એક જ જવાબ મળે છે કે,નેક્સ્ટ ટાઈમ. હજુ સુધી પક્ષે અમારી કિંમત કરી નથી.
ભાજપના આ ઉમેદવારોનું મૂળ ગૌત્ર કોંગ્રેસ
પ્રભુ વસાવા
દેવુસિંહ ચૌહાણ
ભરતસિંહ ડાભી
શોભના બારેયા
સી.જે.ચાવડા
અરવિંદ લાડાણી
પૂનમ માડમ
વિનોદ ચાવડા
ચંદુભાઈ શિહોરા
અર્જુન મોઢવાડિયા
ચિરાગ પટેલ