'ગુજરાતમાં ધારીએ તેને હરાવવાની ત્રેવડ છે', ક્ષત્રિય બાદ હવે કોળી સમાજ ભાજપથી નારાજ
Lok Sabha Elections 2024: ગુજરાતની 25 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ યોજાશે. ત્યારે ભાજપ સામે વિરોધનો વંટોળ થંભવાનું નામ લેતો નથી. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપિયાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. હવે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની વિવાદિત ટિપ્પણી બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
કનુ દેસાઈ જાહેરમાં માફી માંગે: મુન્ના બાવળિયા
કનુ દેસાઈએ થોડા દિવસો પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય' આ નિવેદન બાદ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે 'અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. ભાજપે કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. અમે લોકોને એકત્રિત કરીએ એટલા સક્ષમ નથી પણ ધારીએ તેને હરાવી શકીએ છીએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે.'
કોળી સમાજમાં ભારે રોષ
આ મામલે અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું કે, નાણા મંત્રી દરજ્જાના વ્યક્તિ આ રીતનો વાણી વિલાસ કરે તો કોળી સમાજ કોઇ દિવસ સાથે નહીં રહે. આ ટિપ્પણીનું પરિણામ કનુ દેસાઈએ ભોગવવુ પડશે. બધા સમાજ માટે આવા બફાટ થાય છે તો ભાજપ હાઈકમાન્ડ ચૂપ કેમ છે? આ મોટા દરજ્જાના નેતાઓ બફાટ કરે છે, આ ભુલ ન કહેવાય. કનુ દેસાઈએ રાજીનામું આપવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ માફ કરશે નહીં.'