ચૂંટણી ખર્ચમાં ગોટાળા, અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલ મૂક્યાં, સરકારે તપાસ સમિતિ રચી
Election Expenditure Scam: લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટ અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલો રજૂ કર્યાં હતાં. પોરબંદર, બોટાદ અને જામનગર જિલ્લામાં ચૂંટણી ખર્ચમાં થયેલા ગોટાળાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. આખરે રાજ્ય સરકારે આ પ્રકરણની તપાસ કરવા કમિટીની રચના કરી છે.
ચૂંટણીમાં થયેલાં ખર્ચમાં ગેરરીતિ
લોકસભાની ચૂંટણીમાં થયેલાં ખર્ચને લઇને વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઇ છે. પોરબંદરમાં 20 લાખ રૂપિયાના મંડપનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે 2.90 કરોડ રૂપિયાનું બિલ રજૂ કર્યુ હતું. હવે એવી વિગતો સામે આવી છે કે, આ જ જિલ્લામાં આર.એમ. એન્ટરપ્રાઇઝે ફ્લાવર બુકેનું 8500 રૂપિયાનું બિલ મૂક્યુ હતું. આ ઉપરાંત અક્ષય કિચન વેરે 300 રૂપિયાના કપ-રકાબીનું બિલ 7 હજાર રૂપિયા મૂક્યુ હતું. જ્યારે ચિકન તંદુરીનું બિલ 4 લાખ રૂપિયા મૂકાયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા
જ્યારે આ મામલે ગાંધીનગરથી પૂછપરછ અને તપાસ હાથ ધરતાં આ બિલ પાછા ખેંચી લેવાયા હતાં. એલઇડી અને ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના બિલ પણ લાખોમાં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે. ઈવીએમ મશીનોને ટ્રકમાં ચઢાવવા ઉતારાવવા માટે પણ શ્રમિકોને અપાયેલાં નાણાંના બિલોમાં ગરબડ થઈ છે. હવે જ્યારે આ મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો છે, ત્યારે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં તપાસ માટે ચાર સભ્યોની કમિટી રચી છે. જ્યારે જામનગર અને બોટાદ જિલ્લામાં પણ તપાસ કમિટીની રચના કરી છે.