Get The App

VIDEO: દેવાયત ખવડે ફરી બ્રિજરાજ ગઢવી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું- 'આ બધી ઉપજાવેલી વાતો છે'

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
VIDEO: દેવાયત ખવડે ફરી બ્રિજરાજ ગઢવી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું- 'આ બધી ઉપજાવેલી વાતો છે' 1 - image


Devayat Khavad and Brijraj Gadhvi Controversy: ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે જૂનો વિવાદ હતો તે ફરી શરુ થયો છે. અગાઉ બંને વચ્ચેનું વાક યુદ્ધ વધતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું.  વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરુ થયું છે. પહેલા બ્રિજરાજ દાન ગઢવીએ સ્ટેજ પરથી કટાક્ષ કર્યો, ત્યારબાદ દેવાયત ખવડે સ્ટજ પરથી જ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢવીએ દેવાયત ખવડની વાત પર પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને હવે દેવાયત ખવડે પણ ફરી વળતો પ્રહાર કર્યો છે.

ફરી દેવાયત અને બ્રિજરાજ વચ્ચે શરૂ થયો વિવાદ? 

પાર્ટ 4: હવે દેવાયત ખવડે પણ ફરી વળતો પ્રહાર કર્યો

હવે દેવાયત ખવડે બ્રિજરાજ દાન ગઢવીની વાત પર વળતો પ્રહાર કર્યો છે. દેવાયત ખવડે કહ્યું કે, 'હમણાં ચાલી રહેલા વિવાદનો બીજો વીડિયો સામે આવ્યો છે. મેં સાભળ્યો પછી મને લાગ્યું કે મારે તેનો જવાબ દેવો જરૂરી છે. વીડિયોમાં તેમાં તે બોલે છે કે એડ્રેસ છુપાવવું પડે છે. ભાઈ મારે શા માટે એડ્રેસ છુપાવવું પડે. મારો કાર્યક્રમ ક્યાં છે તે અપડેટ હોય છે. બાકી મારી ઓફિસ અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર છે. બીજી વાત 200 લોકોને લઈને સાથે લઈને ફરે છે તેવી વાત કરી છે. ભાઈ કારમાં ચારનું સિટિંગ હોય. 200 માણસો માટે કેટલી કાર જોઈએ. આ બધી તેમણે ઉપજાવેલી વાતો છે. બીજી એક વાત કે તેણે કહ્યું કે સમાધાન માટે 50 લોકોને દોડાવ્યા. તું એટલી મોટી તોપ નથી કે હું સમાધાન માટે આટલા બધા લોકોને દોડાવું. 2 વર્ષ પહેલા સોનબાઈના મંદિર સમાધાન કરવાનું હતું ત્યારે મોગલસેનાના પ્રમુખનો ફોન આવ્યો હતો. કોઈપણ રીતે આ મામલો પતાવવાનો છે. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. મઢડાથી ફોન આવ્યો કે સોનબાઈના મંદિરે આવવાનું છે. આ વાત થયા પછી હું સોનબાઈના મંદિરે જવા માટે તૈયાર થયો. મારે જાજી વાત કરવી નથી. પબ્લિક માટે આવી ફાલતું વાતુ સાંભળવાનો ટાઈમ નથી. તમામ વાત છોડી દે. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી.'

પાર્ટ 1: બ્રિજરાજ દાન ગઢવીએ સ્ટેજ પરથી કટાક્ષ કર્યો હતો

1 જાન્યુઆરી 2025ના દિવસે બ્રિજરાજ દાન ગઢવીના ડાયરાનું આયોજન હતું. જેમાં તેમણે દેવાયત ખવડનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું હતું કે, 'સાગર હમણાં કહેતો હતો કે, 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે.' જેને દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું. કારણકે, દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે, 2025થી હું સિલેક્ટેડ ડાયરા કરીશ.


પાર્ટ 2: દેવાયત ખવડે સ્ટજ પરથી જ વળતો જવાબ આપ્યો હતો

ત્યારબાદ હવે બ્રિજરાજ દાન ગઢવીને દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો હતો. દેવાયત ખવડે પોતાના ડાયરામાં પ્રહાર કરતાં કહ્યું કે, '2022માં મેં નિવેદન આપ્યું હતું કે, 2025માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતાં યાર. તમે મને પૈસા આપ્યા છે કલાકાર તરીકે, તમે મને ડાયલોગબાજી તો કરવા બોલાવ્યો નથી. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા, એમને તો માનો મલાજો રાખતા પણ ન આવડ્યું, ખાલી માની શરમ તો ભરી હોત. હું તો માના મંદિરમાં ઊભો હતો એટલે માફી માંગી હતી. અને જો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે કોઈ મારી જોડે માફી મંગાવી દે તો તે દિવસથી ડાયરા મૂકી દઈશ.'

આ સિવાય દેવાયત ખવડે ઉમેર્યું કે, 'ઘણાં મને કહે છે કે, મૌન રહેવું. ત્યારે હું કહું છું કે, મૌન રહીને ડાયરા મૂકવા કરતાં મને લડીને ડાયરા મૂકવા દો. હવે હું વટથી કહું છું કે, શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું છે. પહેલાં એવું હતું કે, સિલેક્ટેડ ડાયરા કરવા છે. પણ આમને એવું લાગ્યું કે, મેદાન ખાલી છે તો દેવાયત એમ થોડી ચોકા-છક્કા મારવા દે યાર.'


પાર્ટ 3: બ્રિજરાજ દાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી

દેવાયત ખવડની પ્રતિક્રિયા બાદ બ્રિજરાજ દાનને પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કે, 'તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે. સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા. 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી. તમે અમારી કોપી કરીને તો જીવન જીવો છો, સાથે જ કહ્યું કે સિલેક્ટેડ ડાયરાની વાત કરી હતી તો સિલેક્ટેડનો મતલબ શું છે તમારા માટે.


બે વર્ષ પહેલાં કેમ થયો હતો વિવાદ?

અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં 2022માં રૂપલ માના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં બ્રિજરાજ દાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા. જેમાં કહ્યું હતું કે, 'જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજ દાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.' જેનો વળતો પ્રહાર કરતાં દેવાયત ખવડે કહ્યું હતું કે, 'મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પુરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.' ત્યારબાદ સમાજ દ્વારા સોનબાઈના મંદિર ખાતે સમાજ દ્વારા બંને કલાકારો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો.

સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચેનો વિવાદ



Google NewsGoogle News