માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી,બે લોકો ઈજાગ્રસ્ત થયાં
ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાં ફસાયેલા ત્રણને ફાયર વિભાગે બહાર કાઢયાં
અમદાવાદ,સોમવાર,24 માર્ચ,2025
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં
સોમવારે બપોરના સુમારે ત્રણ માળનુ મકાન ધરાશાયી થતાં સાંકડા એવા આ વિસ્તારમાં ભારે
ભાગદોડ મચી ગઈ હતી. મકાન ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે
એસ.વી.પી.હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. ધરાશાયી
થયેલા મકાનના કાટમાળમાં ફસાયેલા અન્ય ત્રણ વ્યકિતને ફાયર વિભાગે બહાર કાઢી
સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
માણેકચોકમાં આવેલી ઘાંચીની પોળમાં આવેલા મિસ્ત્રીના
ખાંચામાં સોમવારે બપોરે ૧.૧૫ કલાકના સુમારે ગ્રાઉન્ડ ઉપરાંત બેમાળનુ ૮૦ વર્ષ જુનુ
મકાન ધડાકા સાથે ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે
દોડી ગયા હતા. મકાન ધરાશાયી થવા અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે
સ્થળ ઉપર પહોંચી તેજલબહેન ઉંમરવર્ષ-૫૦ તથા દિપલભાઈ ઉંમર વર્ષ-૧૧ને બહાર કાઢી
એસ.વી.પી.હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા. ફાયર વિભાગના સૂત્રોમાંથી
મળતી માહીતી મુજબ, તેજલબહેનને
શરીરના ભાગે ઈજા પહોંચી હતી.જયારે દિપલભાઈને હાથ-પગ અને માથાના ભાગે ઈજા પહોંચી
હતી. ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે ફસાયેલા સબલ રાજપૂત, ઉંમર વર્ષ-૨૫, અલીભાઈ શેખ, ઉંમર વર્ષ-૫૭ તથા
રામસિંગ રાજપૂત ઉંમર વર્ષ-૨૫ને સામાન્ય ઈજા થતા ફાયરના જવાનોએ બહાર કાઢી
હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.
ધરાશાયી થયેલા મકાનના આગળના ભાગમાં બાંધકામ માટે ખાડા કરાયા
હતા
માણેકચોકમાં આવેલી ઘાંચીની પોળમાં ત્રણ માળનુ મકાન ધરાશાયી
થવાની સોમવારે બપોરે ઘટના બની હતી. જે સ્થળે મકાન ધરાશાયી થયુ તેના આગળના ભાગમાં
મકાનનુ બાંધકામ કરી પાયા નાંખવા માટે અલગ અલગ ખાડા કરાયા હોવાથી ૮૦ વર્ષ જુનુ મકાન
ધરાશાયી થયુ હોવાની સ્થાનિક રહીશોમાં ચર્ચા સાંભળવા મળી હતી.