વિવિધ વિસ્તારમાં આવેલા ૮૦ બ્રિજ નીચેની જગ્યાના વૈકલ્પિક ઉપયોગ માટે સર્વે કરવા નિર્ણય
ભદ્ર પ્લાઝામાં ખડકાઈ ગયેલા દબાણોને દુર કરવા નિયમિત ઝૂંબેશ કરાશે
અમદાવાદ,બુધવાર,3 જાન્યુ,2024
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા રિવરબ્રિજ સહિત કુલ મળીને
૮૦ બ્રિજ નીચેની જગ્યાનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય એ માટે સર્વે કરી અધિકારીઓને
કમિટિ સમક્ષ રીપોર્ટ મુકવા ટાઉન પ્લાનિંગ કમિટિએ સુચના આપી છે.ભદ્ર પ્લાઝા
વિસ્તારમાં ખડકાઈ ગયેલા દબાણોને દુર કરવા નિયમિત ઝૂંબેશ કરવા એસ્ટેટ વિભાગના
અધિકારીઓને કહેવામાં આવ્યુ છે.
મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટિની મળેલી બેઠકમાં શહેરમાં
આવેલા રિવરબ્રિજ, ફલાય
ઓવરબ્રિજ સાથેના તમામ બ્રિજની નીચે હાલ ખુલ્લી જગ્યામાં વિવિધ પ્રકારના થયેલા દબાણ
તાકીદે દુર કરી તમામ બ્રિજ નીચે કયાં -કેટલી ખુલ્લી જગ્યા આવેલી છે અને તેનો
વૈકલ્પિક ઉપયોગ કયા પ્રકારે કરી શકાય એ અંગે સર્વે કરવા અધિકારીઓને સુચના આપવામાં
આવી હતી.કમિટિના ચેરમેન પ્રિતિશ મહેતાના કહેવા મુજબ,શહેરના જે વિસ્તારમાં ડ્રાફટ ટી.પી.સ્કીમ મંજુર થઈ હોય
ત્યાં ઝડપથી મોટા રોડ ખોલવા ઉપરાંત શહેરના કોટ વિસ્તારમાં આવેલા ભદ્ર પ્લાઝામાં
ખડકાઈ ગયેલા દબાણ નિયમિત ડ્રાઈવ કરી દુર કરવા અંગે ઝૂંબેશ તંત્રનેકરવા સુચના આપવામાં આવી છે.ઈમ્પેકટ ફી
ભરી ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા સંબંધી ૪૮ વોર્ડમાંથી ૪૮ હજાર અરજી તંત્રને
મળી છે.આ પૈકી ૧૩ હજાર અરજીઓ મંજુર કરવામાં આવી છે. હજુ ૩૫ હજાર અરજીઓ અંગે અંતિમ
નિર્ણય કરવાનો બાકી છે.બાકીની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા એસ્ટેટ વિભાગને સુચના અપાઈ
હતી.મ્યુનિ.ને મળેલા રીઝર્વ પ્લોટ પૈકી પાણીની કામગીરી માટેના પ્લોટ હોય તેને
પ્રાયોરીટીમાં લેવા પ્રોજેકટ વિભાગના અધિકારીઓને કહેવામાં આવ્યુ હતુ.