ગુજરાતમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણ મંદિર, સ્મૃતિ સ્મારક બનવા પાછળ દર્દભરી કહાણી
Lioness Smruti Smarak At Gir, Gujarat : પીપાવાવ નજીક રેલવે ટ્રેકમાં મૃત્યુ પામેલી બે સિંહણની યાદમાં રાજુલાના ભેરાઈ ગામના વાડી વિસ્તારમાં 'સિંહણ સ્મારક' બનાવવામાં આવ્યું છે. જેમાં રાની અને રુપસુંદરી નામની સિંહણની હંમેશા માટે યાદ રહી જાય તે માટે ભેરાઈ ગામના ખેડૂતે પોતાની જમીન આપી 'સિંહણ સ્મારક' બનાવ્યું છે.
2014માં બે સિંહણના રેલવે અકસ્માતમાં મોત થયા હતા
ગીરના લોકો અને ગીરના સિંહો વચ્ચેનો સંબધો અદ્ભુત છે. રાજુલાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં અહીંના લોકોએ સિંહણ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું છે. વર્ષ 2014માં રાની અને રુપસુંદરી નામની બે સિંહણના રેલવે ટ્રેકમાં આવી જવાથી મોત થયા હતા, ત્યારે સ્થાનિકોએ આ સિંહણની યાદમાં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે.
બન્ને સિંહણોએ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું
રાજુલા તાલુકાના ભેરાઈ ગામના વાડી વિસ્તારમાં બે સિંહણોની યાદમાં અહીંના સ્થાનિક લોકોએ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે. સિંહ દિવસની ઉજવણી દરમિયાન સિંહણ સ્મૃતિ સ્મારક ત્યાંના માણસો અને સિંહ વચ્ચેના અનેરા સંબંધોની છબી ઊભી કરે છે. મળતી માહિતી પ્રમાણે, બૃહદ ગીર વિસ્તારમાં આવતાં રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં રાની અને રૃપસુંદરી નામની બે સિંહણો અહીં વસવાટ કરતી હતી. બન્ને સિંહણોએ માનવ વસ્તીને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું. સ્થાનિકોને ક્યારેય પણ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડતા લોકોમાં બન્ને સિંહણો ખૂબ પ્રખ્યાત હતી.
એક સિંહણ ગર્ભવતી હોવાથી તેના પેટમાં ત્રણ બચ્ચાં હતા
મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2014માં આ બન્ને સિંહણો રેલવે ટ્રેકમાં ટ્રેનની નીચે આવી જવાથી મૃત્યુ પામી હતી. જેની સરકારે પણ નોંધ લીધી હતી. બન્ને સિંહણના ટ્રેન અકસ્માતમાં મોત થયા પછી સિંહણનું પોસ્ટમોર્ટમ કરતાં જાણવા મળ્યું હતું કે, બેમાંથી એક સિંહણ ગર્ભવતી હતી અને તેના પેટમાં ત્રણ બચ્ચાં હતા. જેથી કુલ પાંચ સિંહના મોત થયા હતા. આ વિસ્તારના લોકોથી પરિચિત સિંહણના ટ્રેન અકસ્માતમાં મોત થતા હતા. બન્ને સિંહણની યાદમાં અકસ્માત સ્થળેથી થોડે દૂર આવલા એક ખેતરમાં તેનું સ્મારક બનાવવાનું નક્કી થયું હતું. આ દરમિયાન સિંહણ સ્મારક બનાવવા માટે સ્થાનિક હરસુરભાઈ રામે પોતાના ખેતરની જમીન આપી હતી. જ્યારે કથ્થડભાઈ રામ અને ભીખુભાઈ બાટાવાળાએ બન્ને સિંહણના ફોટો રાખીને નાનું સ્મારક બનાવ્યું હતું. આમ રાજ્યભરમાં સિંહ દિવસની ઉજવણીની સાથે-સાથે સ્થાનિક લોકોએ અકસ્માતમાં મૃત્યુ પામેલી બે સિંહણનું સ્મૃતિ સ્મારક બનાવીને સિંહ દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક દાયકો થયો છતાં પંથકના લોકો રાની અને રુપસુંદરીને આજે પણ ભૂલી શક્યા નથી.