Get The App

કોંગ્રેસમાં અંદરો-અંદર કકળાટ: ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓના નામ સાથેની પત્રિકા ફરતી થઈ

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
કોંગ્રેસમાં અંદરો-અંદર કકળાટ: ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓના નામ સાથેની પત્રિકા ફરતી થઈ 1 - image


Internal turmoil in Congress: ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ બદથી બદતર થઈ છે. અત્યાર સુધીમાં 100થી વધુ ધારાસભ્યો સહિત અનેક કાર્યકરો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા પણ 12 જ રહી છે. વિપક્ષપદ મળે તેવી સ્થિતિ નથી. પંચાયતો-પાલિકા પર ભગવો લહેરાયો છે. આ સ્થિતિને પગલે હવે હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસને નવો ઓપ આપવા નક્કી કર્યુ છે. ત્યારે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાનનો ગુજરાતથી પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતગર્ત નિમાયેલા નિરીક્ષકો દ્વારા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તેના પર જ સવાલો ઊભા થયા છે. 

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બી. કે. હરિપ્રસાદની આગેવાનીમાં અમદાવાદ શહેર પ્રમુખ માટે બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસનો આંતરિક કકળાટ બહાર આવ્યો હતો. બેઠક દરમિયાન પત્રિકા વહેંચવામાં આવી હતી. જેમાં શહેર પ્રમુખ હિંમતસિંહ અને શૈલેષ પરમાર સામે સવાલો ઉઠાવતાં ભાજપ સાથે સેટિંગ કરી રહ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ આ બંને નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. આ પત્રિકા કોંગ્રેસ કાર્યાલયમાં ફરતી કરવામાં આવી છે,  આ સાથે કોંગ્રેસના જે આગેવાનો છે તે આ પત્રિકા ફરતી કરી રહ્યા છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ? 

જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ નિરીક્ષકો સામે રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે જે નેતાઓ ભાજપ સાથે સેટિંગ કરે છે તેઓને કઈ રીતે સ્ટેજ પર બેસાડવામાં આવે છે. ભાજપે પોતાના બધા પૂર્વ ધારાસભ્યોની પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે, પરંતુ કોંગ્રેર્સના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલની પોલીસ સુરક્ષા આજ સુધી કેમ હટાવવામાં આવી નથી- યે રિશ્તા ક્યા કહલાતા હૈ? 

ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી ધરપકડની માંગ કેમ નથી કરી, તેની પાછળ કયું રહસ્યમય કારણ છે? 

કોંગ્રેસમાં અંદરો-અંદર કકળાટ: ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓના નામ સાથેની પત્રિકા ફરતી થઈ 2 - image

કોંગ્રેસમાં અંદરો-અંદર કકળાટ: ભાજપ સાથે સેટિંગ કરતા નેતાઓના નામ સાથેની પત્રિકા ફરતી થઈ 3 - image

હિંમતસિંહે અમિત શાહને ધમકી આપી કે...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના પહેલાં માળેથી અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે શૈલેષ પરમારને પકડીને પોલીસ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ હિંમતસિંહ પટેલ કોંગ્રેસ તરફથી ફરિયાદ કરાવવા માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા. તે સમયે અમિત શાહ પણ ભાજપ તરફથી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. હિંમતસિંહે અમિત શાહને ધમકી આપી કે જો તમે શૈલેષ પરમારનું નામ ફરિયાદમાં લખાવશો તો અમે પણ તમારા પુત્રનું નામ અને ભાજપ કાર્યકર્તાઓ સાથે પથ્થરમારામાં સામેલ હોવાની ફરિયાદમાં લખાવીશું. 

હર્ષ સંઘવી સાથે ફોન પર વાતચીત

ત્યારબાદ અમિત શાહે શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ વચ્ચે સેટિંગની જાણકારી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ફોન પર આપી અને જણાવ્યું કે, જો શૈલેષ પરમારનું નામ ફરિયાદમાં દાખલ કરાવવામાં નહીં આવે તો તે પણ મારા પુત્રનું નામ ફરિયાદમાં દાખલ કરાવશે નહીં. 

આ સાથે જ ભાજપના અન્ય કાર્યકર્તાઓ વિરુદ્ધ પણ કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં નહીં આવે અને ના તો તેમની ધરપકડ માંગ કરવામાં આવે. સાથે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરનાર બજરંગ દળના કાર્યકર્તાઓની ધરપકડની માંગ પણ નહીં કરવામાં આવે. 

હર્ષ સંઘવીએ આ બધું સાંભળ્યા પછી આદેશ આપ્યો કે શૈલેષ પરમારને પોલીસ દ્વારા છોડી દેવામાં આવે અને અમિત શાહના પુત્રનું નામ એફઆઇઆરમાં લખવામાં ન આવે, સાથે જ અન્ય ભાજપ કાર્યકર્તાઓની જ ધરકપકડ કરવામાં ન આવે. આ શરતે જ શૈલેષ પરમારને પોલીસે છોડી દીધા. 

હિંમતસિંહ પટેલ, શૈલેષ અરમાર અને અમિત શાહ વચ્ચે થયેલા કરારના કારણે ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓની બલિ ચઢાવીને શૈલેષ પરમારને બચાવી લીધા. એક તરફ હાઇકમાન્ડ સંગઠનને મજબૂત કરવા માટે ધમપછાડા કરી રહ્યું છે તો બીજી તરફ આંતરિક વિખવાદો સમવાનું નામ લઈ રહ્યા નથી. 

Tags :